બનાસડેરીના વહીવટ માટે નનામી અરજી કરનાર સામે પોલીસ ફરિયાદ
રખેવાળ ન્યુઝ ડીસા : નનામી અરજી દ્વારા બનાસ ડેરીના વહીવટમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને બનાસ ડેરીની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે તેવો પ્રયાસ કેટલાક તત્વો દ્વારા થઇ રહ્યો છે ત્યારે બનાસડેરી પણ એક્શનમાં આવીને આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થાય તે માટે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા ગુનેગારો સામે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
એટલું જ નહીં બનાસ ડેરીના નિયામક મંડળના સૌ સભ્યોએ પણ આવી નનામી પત્રિકાઓ દ્વારા એશિયાની સૌથી મોટી દૂધ ડેરી સામે ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને નકારી કાઢીને બનાસડેરીમાં તમામ નિર્ણયો સર્વ સંમતિથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં સંપૂર્ણ પારદર્શક રીતે લેવાતા હોવાનો રદિયો આપીને આવી પ્રવૃત્તિઓનું ખંડન કરી દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોને આવા ભ્રામક પ્રચાર થી દુર રહેવા એક પત્ર દ્વારા અપીલ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે નનામી અરજી દ્વારા બનાસડેરીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બદલ બનાસ ડેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરતા આવા બેનામી ગુનેગારોમાં ફફડાટ વ્યાપ્યો છે.