જિલ્લાની આર્થિક પાટનગરીના અનેક વિસ્તારોમાં ગંદકી અને કચરાના ઢગ ખડકાયા
ડીસામાં સફાઈના અભાવે રોગચાળાની ભીતિ, સફાઈ બાબતે નગરપાલિકાની ઘોર બેદરકારીથી લોકોમાં રોષ: બનાસકાંઠા જિલ્લાની આર્થિક પાટનગરી ડીસાએ વિકાસની દિશામાં હરણફાળ ભરી છે ત્યારે શહેરના વિકાસ સાથે વિસ્તાર વધતા શહેરીજનોની પાયાની જરૂરિયાત સમી લાઈટ, સફાઈ, પાણી જેવી જરૂરિયાતમાં પણ વધારો થયો છે. જેના પગલે પાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વછતા અભિયાનને વેગ આપવા માટે પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની યોજના સહિત અન્ય સફાઈ કામદારો રોકી ડીસા શહેરને ચોખ્ખું રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જેમાં પાલિકા દ્વારા પણ ડોર ટુ ડોર કચરો એકઠો કરવા કમ્પનીને વાર્ષિક ત્રણ કરોડ જેટલી માતબર રકમ પણ ફાળવવામાં આવે છે તેમ છતાં પણ ડીસામાં ઠેર ઠેર જગ્યાએ કચરાના ઢગ ખડકાઈ ચુક્યા છે.શહેરમાં ચોમાસાની સિઝનમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે જોકે પાલિકા દ્વારા સફાઈ કરવામાં બેદરકારી દાખવવામાં આવતી હોવાની પણ બૂમો ડીસા વાસીઓમાં ઉઠવા પામી છે. જોકે હાલમાં કોલેરા, તાવ,ડેન્ગ્યુ જેવી બીમારીઓએ માથું ઉંચક્યું હોવા છતાં પણ સફાઈ બાબતે પાલિકા દ્વારા બેદરકારી દાખવવામાં આવતા લોકોમાં પણ રોષ વ્યાપી જવા પામ્યો છે.
સફાઈના કોન્ટ્રાકટ માટે નવું ટેન્ડરિંગ કરાશે : પાલિકા આ બાબતે પાલિકા સેનિટેશન વિભાગનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું અગાઉ નવા કરાર માટે ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું પરંતુ જે તે સમયે કોઈ અન્ય કોન્ટ્રાકર દ્વારા ટેન્ડર ભરી બાદમાં કામ ના રાખતા ડોર ટુ ડોરનો કોન્ટ્રાકટ જૂની કમ્પનીને ચાલુ રાખવામાં આવ્યો છે અને આગામી એક માસમાં આ કોન્ટ્રાકટ માટે નવું ટેન્ડરિંગ કરવામાં આવશે.જોકે હાલમાં ડીસાના સફાઈ કામમાં ડોર ટુ ડોર અને પાલિકા સેનિટેશન શાખા દ્વારા અનેક વાહનો પણ ફાળવાયા છે તેમ ઉમેર્યું હતું પરંતુ પાલિકા દ્વારા સમગ્ર શહેરમાં સફાઈ નિયમિત ના થતા મોટા ભાગના વિસ્તારમાં સફાઈના અભાવે ગંદકીના ઢગ ખડકાયા છે.