![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/03-3.jpg)
દાંતા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓ સુવિધાઓથી વંચિત : સ્થાનિકોએ એકઠાં થઈ રજૂઆત કરી
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું રેફરલ હોસ્પિટલ ખાતે તાલુકાના લોકોને સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા અહી વિવિઘ ડોકટરો મુકવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ હોસ્પિટલને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો આજે સોમવાર દાંતા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાના આક્ષેપ લાગ્યા હતા. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાય સમયથી દર્દીઓને પૂરતી સારવાર ન અપાતી હોવાના આક્ષેપ સાથે લોકો મોટી સંખ્યામાં રજૂઆત કરવા આવી પહોચ્યાં હતા. આજે દાંતા સરકારી હોસ્પિટલ ખાતે કેટલીક આસપાસ ગામની મહિલાઓ અને દાંતા ગામના લોકો પ્રાથમિક સારવાર કેન્દ્રમાં મોટી સંખ્યામાં રજૂઆત કરવા આવી પહોંચ્યાં હતાં.
લોકોએ કરેલી રજૂઆતમાં સિવિલ સુપ્રિટેન્ડન્સ પણ ગાયનેક સર્જન હોઈ પોતે ઓપરેશન કરતા નથી તેવા આક્ષેપ કરાયા હતા. ડિલિવરી સમયે સ્ટાફ નર્સ હાજર રહી ડિલિવરી કરાવે છે. પણ ડોકટર હાજર રહેતા નથી તેવો આક્ષેપ પણ થયો. સામાન્ય બાબતમાં પણ સેવા આપવામાં આવતી નથી અને અન્ય ખાનગી કે પાલનપુર રિફર કરી દેવામાં આવે છે. દાંતા રેફરલ હોસ્પિટલમાં એક અઠવાડિયાની અંદર તમામ સુવિધા પૂરી પાડવા માટેની સ્થાનિકોએ માગ કરી છે. રેફરલ હોસ્પિટલ અધિક્ષકને લોકોએ રજૂઆત કરી તમામ માંગણીઓ પૂરી કરવાની પણ માગ કરાઈ છે. તો સાથે સાથે એક અઠવાડિયામાં સુવિધાઓ પૂરી પાડવામાં ન આવે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાંતાને તાળાબંધી કરવાની ચીમકી પણ લોકોએ ઉચ્ચારી હતી. સિવિલ અધિક્ષકે તમામ આક્ષેપોને ફગાવ્યા હતા અને તમામ સુવિધાઓ ચાલુ હોવાનું જણાવ્યું હતું.