ડીસા એસટી ડેપો દ્વારા બસો બંધ કરાતા વિદ્યાર્થીઓ સહિત મુસાફરો મુશ્કેલીમાં મુકાયા
વિદ્યાર્થીઓના પાસ કાઢ્યા હોવા છતાં બસ બંધ કરી દેવાઇ: ડીસાથી ભીલડી દિયોદર રૂટની સાંજના અને રાત્રિના સમયની ત્રણ એસટી બસ અચાનક બંધ કરી દેવાતા મુસાફરો સહિત વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. બસ અચાનક બંધ કરી દેતા વિદ્યાર્થી પાસ હોવા છતાં વિદ્યાર્થીઓ રજળી પડ્યા હતા. પાલનપુર એસ.ટી. વિભાગીય કચેરી નીચે આવતા ડીસા ડેપો દ્વારા અનેક વર્ષોથી ડીસાથી સરદારપુરા વાયા ભીલડી થઈ બસ ચલાવવામાં આવતી હતી. આ બસમાં પૂરતા પ્રમાણમાં ટ્રાફિક પણ મળતો હતો અને વિદ્યાર્થીઓને પણ અનુકૂળ બસ હતી તેમ છતાં આ બસ યેનકેન કારણે બંધ કરી દેવાતા આ રૂટના ૨૦ ગામડાઓના મુસાફરો રઝળી પડયા છે.
આ ઉપરાંત એસ.ટી.ડેપો દ્વારા કોઈ અકળ કારણસર ડીસાથી ભીલડી માણકી રૂટની એસ.ટી.બસ પણ બંધ કરી દેવામાં આવેલ છે. જ્યારે નવરાત્રિના પ્રથમ દિવસે જ આ બે બસો ઉપરાંત અન્ય એક બસ પણ અચાનક બંધ કરી દેવાતા મુસાફરો અને વિદ્યાર્થીઓ રાતે આઠ વાગ્યા સુધી બસ સ્ટેશનમાં રઝળી પડ્યા હતા. બસ સ્ટેશનમાં કોઈ સ્ટેન્ડ ઇન્ચાર્જ કે અન્ય સ્ટાફ પણ હાજર ન હતો.
જેથી મુસાફરોમાં રોષ વ્યાપેલ છે. ડીસાથી ભીલડી દિયોદર તરફના ગામડાના લોકો માટે આ બંને બસો આર્શિવાદ સમાન બસ સુવિધા હતી. તે પણ બંધ કરી દેવામાં આવી છે. નવરાત્રી અને આવી રહેલી દિવાળીના તહેવારોમાં લોકોને ખાનગી વાહનોમાં જવું પડે છે. રાત્રે ખાનગી વાહનો મળતા પણ નથી જેથી લોકો મોડે સુધી ઘરે પહોંચી શકતા નથી. ગ્રામ્ય વિસ્તારના 15 જેટલા ગામડાઓના લોકોને ભારે હેરાનગતિ વેઠવી પડી રહી છે જેને લઇને ડીસા એસટી ડેપો ખાતે મુસાફરો અને વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો જ્યારે ડીસા એસટી ડેપોમાં રજુઆત કરવા જતાં જવાબદારી અધિકારી હાજર ના મળતા ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો.
Tags Disa Passengers stopped students