મુસાફરોની મુસાફરી કે મોતની સવારી; વાહન ચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કોણ કરે? તે પ્રશ્ન
સમગ્ર બનાસકાંઠામાં દિન પ્રતિદિન માર્ગ અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વાહન ચાલકો વધુ પૈસા કમાવવાની લ્હાયમાં સતત બેદરકારી દાખવી ટ્રાફિક નિયમો નેવે મૂકી પોતાના મુસાફર વાહનોમાં ઘેટાં બકરા જેમ મુસાફર ભરતા હોય છે. જેનો જાગતો પુરાવો આ તસ્વીર છે. આ તસ્વીર બનાસકાંઠાના આંતરિયાળ વિસ્તારની છે.જે પોલીસના ટ્રાફિક નિયમન માટે ઘણું બધું કહી જાય છે.
વાહન ચાલકોની આવી ઘોર બેદરકારીના કારણે છાશવારે અકસ્માત સર્જાતા હોય છે અને તેમાં અનેક આશાસ્પદ જિંદગીઓ અકાળે મોતના મુખમાં ધકેલાઈ જાય છે. જોકે જિલ્લામાં ટ્રાફિક નિયમન કરવાની જવાબદારી ટ્રાફિક પોલીસ તંત્રની હોવા છતાં તે પણ હપ્તાખોરીના વજન નીચે દબાઈ જતા આવા વાહન ચાલકોને છૂટો દોર મળે છે અને અકસ્માત સર્જાતા અનેક નિર્દોષ લોકોની જિંદગી જોખમમાં મુકાઈ જાય છે ત્યારે આવા બેફામ બનેલા વાહન ચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કોણ કરે ? તે પ્રશ્ન ચર્ચાના ચગડોળે ચડ્યો છે.