પાલનપુર પાલિકા દ્વારા ગેરકાયદે ઉધરાવેલા મકાન બાંધકામ મંજુરી ફીના ૧.૨૫ કરોડનું રિફંડ ચુકવવા માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા રહીશોને મકાન બાંધકામ મંજુરી ફી તેમજ મકાન ટ્રાન્સફર ફી રૂપિયા ૧.૨૫ કરોડથી પણ વધારે રકમનું રિફંડ વ્યાજ સાથે પ્રજાજનોને ચૂકવવા નગરપાલિકાના ભાજપના સદસ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના સદસ્ય અમૃતભાઈ જોશીએ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને રજુઆત કરતાં જણાવ્યું હતું કે, પાલનપુર નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ૩૦/૦૭/૨૦૧૧ ના ઠરાવથી મકાન બાંધકામ મંજુરી ફી રહેઠાણમાં ૨૦૦ ટકા તેમજ કોમર્શિયલમાં ૪૦૦ ટકા તેમજ સામાજિક શૈક્ષણિક ધાર્મિક મંજુરી ફી માં ૧૦૦ ટકા વધારો કરવામાં આવેલ તેમજ તે જ રીતે મકાન ટ્રાન્સફર ફીમાં ૫૦ ટકા નો વધારો કરવામાં આવેલ હતો. જેના વિરુદ્ધમાં કલેક્ટર બનાસકાંઠાની કોર્ટમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૨૫૮ મુજબ અપીલ દાખલ કરી ભાવ વધારાનો ઠરાવ રદ કરવા માટે દાદ માંગી હતી. આથી કલેકટર દ્વારા તારીખ ૨૧/૦૩/૧૨ના હુકમથી નગરપાલિકાના ઠરાવો મૂળ અસરથી રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમની સામે નગરપાલિકા દ્વારા ૨૬/૦૩/૧૨ ના રોજ નિયામક નગરપાલિકાઓ ગાંધીનગરની કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. જેમણે કામચલાઉ મનાઈ હુકમ આપ્યો હતો.
આ અંગે નિયામક ગાંધીનગર ની કોર્ટમાં સુનાવણી રાખવામાં આવતા કોર્ટ નગરપાલિકા પાલનપુરે દાખલ કરેલ અપીલ ના મંજુર કરી કલેક્ટરનો હુકમ કાયમ રાખવામાં આવે છે તેવું જજમેન્ટ તારીખ ૨૬/૦૩/૧૩ ના રોજ આપવામાં આવેલ હતી. જેની સામે પાલનપુર નગરપાલિકા દ્વારા તારીખ ૧૪/૦૬/૧૩ ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ બોર્ડના સચિવ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવેલ પરંતુ શહેરી વિકાસ વિભાગ દ્વારા પાલનપુર નગરપાલિકાની તારીખ ૦૩/૦૮/૨૦૧૩ ના રોજ રિવિઝન અરજી રદ કરવામાં આવેલ ના મંજુર કરવામાં આવેલ દફતરે કરવામાં આવેલ હતી. આમ ભાવ વધારો રદ કરવામાં આવેલ છતા પણ પાલનપુર નગરપાલિકા દ્રારા તેનો અમલ ના કરતા તારીખ ૨૫/૦૬/ ૨૦૧૪ થી લેખિત રજુઆત કરતા પાલનપુર નગરપાલિકા દ્રારા જુના ભાવો પ્રમાણે ફી લેવાનું ચાલુ કરેલ. અને પાલનપુર નગરપાલિકાના તત્કાલીન મુખ્ય અધિકારી દ્વારા તારીખ ૧૧/૦૨/૧૬ ના પત્રથી નાયબ કલેક્ટર, કલેકટર બનાસકાંઠા તેમજ નિયામક ગાંધીનગર ને નગરપાલિકાની આર્થિક સ્થિતિ સુધરશે ત્યારે રિફંડ ચૂકવવામાં આવશે તેવી લેખિત ખાત્રી આપવામાં આવી હતી. જોકે, ત્યારબાદ રિફંડ ચૂકવવામાં આવેલ નથી. ત્યારે તાજેતરમાં પાલનપુર નગરપાલિકાના ઘરવેરા શાખામાં રૂપિયા ૯ કરોડ થી પણ વધારે રકમની ઘરવેરાની જંગી આવક થયેલ છે. તેમજ સરકાર દ્વારા પણ કરોડોની ગ્રાન્ટ આપવામાં આવેલ છે. તેનું વ્યાજ પણ જમા થયેલ છે તો તાત્કાલિક પ્રજાજનો પાસેથી ઉઘરાવેલ ગેરકાયદેસર મકાન બાંધકામ મંજૂરી ફી તેમજ મકાન ટ્રાન્સફર ફી નું રિફંડ વ્યાજ સાથે પરત આપવા રજુઆત છે. જો દિન – ૭ માં રિફંડ વ્યાજ સાથે ચુકવવામાં નહીં આવે તો કાયદેસરની આગળની કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.