પાલનપુર બાયપાસનો વિવાદ વકર્યો : ખોડલામાં જમીન માપણીની કામગીરી અટકાવતા ખેડૂતો
ખેડૂતોના વિરોધને પગલે તંત્ર દોડતું થયું : વધુ પડતા જમીન સંપાદન સામે ખેડૂતો આકરા પાણીએ
પાલનપુર શહેરની બાજુમાંથી નીકળતા બાયપાસ રોડ નો વિવાદ વકર્યો છે. જે ગામડાઓમાંથી બાયપાસ રોડ નીકળી રહ્યો છે. ત્યાં વધુ પડતા જમીન સંપાદન સામે અસરગ્રસ્ત ખેડૂતો વિરોધ જતાવી રહ્યા છે. ત્યારે આજે ખોડલા ગામ પાસે જમીન માપણી ની પ્રક્રિયા હાથ ધરાતા ખેડૂતોએ આક્રમક તેવર દાખવી કામગીરી અટકાવી વિરોધ જતાવતા મામલતદાર સહિતનું તંત્ર દોડતું થઈ ગયું હતું.
પાલનપુર શહેર અને એરોમાં સર્કલ હાઇવે પરની વિકટ ટ્રાફિક સમસ્યાને લઈને ઘણા સમયથી બાયપાસ રોડની માગણી હતી. જે માંગણીને લઈને સરકાર દ્વારા પાલનપુર નજીકથી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. ત્યારે આ બાયપાસ રોડને લઈને આજે પાલનપુર તાલુકાના ખોડલા ગામ માં જમીન માપણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારે તંત્રની કામગીરી ને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ ખેતરમાં જવાના માટેના ગેટ બંધ કર્યા હતા. જોકે, ખેડૂતો આકરા પાણીએ થઈ વિરોધ દર્શાવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. પાલનપુર મામલતદાર સહિતનું તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. જ્યાં તંત્ર દ્વારા મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો.
મરવા તૈયાર પણ વધુ જમીન નહિ આપીએ: પાલનપુર ફરતે બાયપાસનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું માનીએ તો, તેઓનો બાયપાસ સામે વિરોધ નથી પરંતુ સરકાર દ્વારા થતા વધુ પડતા જમીન સંપાદન સામે ખેડૂતો માં રોષ ભભૂકી ઉઠ્યો છે. ખોડલા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, બાયપાસ માટે 30 મીટર ને બદલે 100 મીટર જમીન સંપાદન કરાઈ રહી છે. જેના પગલે ઘણા ખેડૂતો જમીન વિહોણા બની જશે. કેટલાક ખેડૂતોના પાણીના બોર જઈ રહ્યા છે. ત્યારે આજીવિકાના આધાર સમી વધુ પડતી જમીન સંપાદન સામે લાલઘૂમ થયેલા ખેડૂતોએ બિલ્ડરોને ફાયદો કરાવવાનો કારસો રચાયો હોવાના આક્ષેપો સાથે બાયપાસનો વિરોધ નથી પરંતુ મરવા તૈયાર પણ વધુ પડતી જમીન ન આપવાની ચીમકી લક્ષ્મણભાઈ આકોલીયા સહિતના ખેડૂતોએ ઉચ્ચારી હતી.
ખેડૂતોના હિતમાં તંત્ર કામ કરશે: મામલતદાર બાયપાસ રોડને લઇ ખોડલા ગામના અસરગ્રસ્ત ખેડૂતોની વધારાની જમીન કપાતી હોવાથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતો ની માંગણી છે કે 30 મીટર નો રોડ બનાવવામાં આવે. ખેડૂતો એ કામગીરી બંધ કરાવી જ્યાર સુધી ખેડૂતોની માંગ પૂરી નાં થાય ત્યાં સુધી કામગીરી ન કરવા અપીલ કરી હતી. ત્યારે પાલનપુર મામલતદાર એસ.બી.પ્રજાપતિ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મામલતદારે જણાવ્યું હતું કે, ખેડૂતોની માંગણી છે કે, 30 મીટર નો રોડ બનાવવામાં આવે. જેથી ખેડૂતોની જમીનને નુકસાન ન થાય. જો કે, સરકાર દ્વારા અત્યારે જમીન સંપાદન અને માપણીની કામગીરી માટેની કામગીરીની સૂચના મળતા તંત્ર દ્વારા માપણીની કામગીરી હાથ ધરાઈ છે. તંત્રએ ખેડૂતોની વાત સાંભળી છે અને ખેડૂતોના હિતમાં સરકાર અને તંત્ર કામગીરી કરશે અને ખેડૂતોને પૂરતું વળતર માટે મળે તે માટે પણ પ્રયત્નો કરવામાં આવશે.