પાલનપુરમાં લોકડાઉન વચ્ચે લોકો પીવાના પાણી માટે બહાર નીકળવા મજબૂર બન્યા
રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુરમાં ઉનાળાના પ્રારંભે જ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની પારાયણ સર્જાતા લોકોમાં એક બેડા પાણી માટે માટલા યુદ્ધ ખેલાય તેવી સ્થિતિ સર્જાઈ છે જોકે શહેરમાં ખાસ કરીને ગણેશપુરાના આંબાવાડી વિસ્તારમાં નગર પાલિકા દ્રારા પાણીના વિતરણમાં ભેદભાવની નીતિ રાખવામાં આવતી હોય તેમ અહીંયા માત્ર ત્રણ દિવસે અને તે પણ માત્ર ૧૦થી ૧૫ મિનિટ નજીવી ધારે પાણી અપાય છે. જેને લઈ લોકો પીવા પૂરતું પણ પાણી ન મળતા રોષની લાગણી છવાઈ છે.
પાલનપુરમાં નગર પાલિકાની પાણી પુરવઠા શાખાની લાપરવાહીના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીની અછત ભોગવી રહ્યા છે. જેમાં હાલ ઉનાળાના પ્રારંભે શહેરના કેટલાય વિસ્તારોમાં પાણીની પારાયણ સર્જાઈ છે. જોકે હાલ કોરોનાના સંક્રમણને રોકવા માટે સરકાર દ્રારા લોકોને ઘરમાં રહેવા અને વારંવાર સાબુ હાથ ધોવાની સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ પાલનપુર ગણેશપુરાનો આંબાવાડી વિસ્તાર ડાઉન વચ્ચે જળ સંકટનો સામનો કરી રહયો છે. જેને લોકોને લોક ડાઉન વચ્ચે પણ એક બેડા પાણી માટે ઠેરઠેર ભટકવુ પડે છે. અહીં પાણીની કાયમી બનેલી સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ્થાનિક નગરસેવીકો અને નગર પાલિકાને અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં જાણે પાલીકા દ્રારા આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોય તેમ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી જેને લઈ લોકોને પાણી માટે દિવસો સુધી રાહ જોવી પડે છે. જેમાય ત્રણ ચાર દિવસે માત્ર ૧૦ થી ૧૫ મિનિટ પાણી આવતા લોકોને પાણી માટે પડાપડી કરવી પડે છે ત્યારે પાલીકા દ્રારા આંબાવાડી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા આ આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
Tags Banaskantha corona