ઉતરાયણના દિવસોમાં ઇમરજન્સી કેસો વધવાની શક્યતાને લઈ ટીમ સુસજ્જ: બનાસકાંઠા જિલ્લા 108 ના પ્રોગ્રામ મેનેજર હેમંત સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં જુદા જુદા લોકેશન ઉપર અદ્યતન સુવિધા ધરાવતી 29 એમ્બ્યુલન્સ કાર્યરત છે.જેમાં રાત દિવસ ફરજ બજાવતાં કર્મચારીઓએ એક વર્ષમાં 39656 માનવ જીંદગીઓ બચાવી છે. જેમાં સગર્ભાવસ્થાના 17946 કેસ, રોડ અકસ્માત 5488,અન્ય અકસ્માત 3497, છાતીમાં દુખાવો 1108 કેસ, શ્વાસની તકલીફ 2397, તાવ 1093, પેટમાં દુખાવો 3668 કેસ,ઝેરી દવા પીવાના 839 કેસ તેમજ અન્ય 3620 કેસનો સમાવેશ થાય છે. ઘટના સ્થળે અને 108 એમ્બ્યુલન્સમાં 298 જેટલી સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળકની જીંદગી પણ બચાવી હતી.
એ સિવાય ગુજરાત ભરમાં 14 અને 15 મી જાન્યુઆરી 2025 ના રોજ ઈમરજન્સીમાં અપેક્ષિત વધારો નોંધાવાની શક્યતાઓ છે.જેમાં જિલ્લામાં પાછલા વર્ષોની માહીતીને આધારે 14 મી જાન્યુઆરીએ 6.74% અને 15 મી જાન્યુઆરીએ 11.24% ઈમરજન્સીમાં વધારો થવાની શકયતા છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 89 કોલ ઈમરજન્સી થાય છે.જે કેસો વધવાની શક્યતાને લઈને પણ ટીમો સુસજ્જ છે.
ઉતરાયણની જવાબદારીપૂર્વક ઉજવણી કરવા અપીલ: બનાસકાંઠા જિલ્લાના સુપરવાઈઝર નિખિલ પટેલે ઉમેર્યું હતું કે, ઉતરાયણના પર્વની ઉજવણી સાથે આપણી સલામતી રાખીશું. જેમાં ખુલ્લા ધાબા પર પતંગ સાચવીને ચગાવવી, વીજ થાંભલા કે જીવંત વાયર પર પડેલી પતંગને ન અડવું કે લેવી, ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ કે સેફ્ટી ગાર્ડનો ઉપયોગ કરવો, ચાયનીઝ દોરીનો ઉપયોગ ન કરવો, ઈજાગ્રસ્ત વ્યકિતને સારવાર માટે 108 અને દોરીથી ઘવાયેલા પક્ષી માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ઉપર કોલ કરવો.આ ઉત્સવની જવાબદારી પૂર્વક ઉજવણી કરી જરૂરી સાવચેતીઓ રાખવાની લોકોને અપીલ પણ કરી હતી.