ગબ્બર ખાતે સવારે અંબાજી મંદિરના ચેરમેન દ્વારા પાદુકા યાત્રા નીકાળવામાં આવી
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં આવતા ભક્તો ગબ્બરના દર્શન કરવા અચૂક જાય છે. ત્યારે હાલમાં ગબ્બર ખાતે પરિક્રમા મહોત્સવનો નવમો પાટોત્સવ ચાલી રહ્યો છે. પ્રથમ દિવસે 2 લાખ 10 હજાર કરતાં વધુ ભક્તોએ પરિક્રમા મહોત્સવનો લાભ લીધો હતો. આજે બીજા દિવસે ગબ્બર એન્ટર ચોકથી પાદુકા યાત્રાનો પ્રારંભ અંબાજી મંદિરના ચેરમેનના હસ્તે કરવામાં આવ્યો હતો.
ગબ્બર પરિક્રમા મહોત્સવમાં રોજેરોજ અલગ અલગ યાત્રાઓ નીકાળવામાં આવે છે. હાલમાં અરવલ્લી પર્વતમાળામાં બોલ મારી અંબે જય અંબેનો નાદ ગુંજી ઉઠ્યો છે. 750 બસો દ્વારા ભક્તો ગામે ગામથી પહોંચી રહ્યા છે અને પરિક્રમા મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. પરિક્રમા મહોત્સવના બીજા દિવસે અંબાજી નજીક આવેલા ગબ્બર ખાતે સવારે અંબાજી મંદિરના ચેરમેન દ્વારા પાદુકા યાત્રા નીકાળવામાં આવી હતી. ત્યાર બાદ અલગ અલગ ગામોથી આવેલા લોકો દ્વારા પાલખીયાત્રામાં પણ ભાગ લેવામાં આવ્યો હતો. ગબ્બરના પહાડ આસપાસ પોલીસની ભારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.