અંબાજી મંદિરના શક્તિ દ્વાર સામેનો એક તરફનો હાઇવે માર્ગ બંધ કરાયો
ભાદરવી પૂનમ મહામેળાને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે. આવનાર 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજનાર છે. જેમાં લાખોની સંખ્યામાં માઇભક્તો આ મેળા દરમિયાન અંબાજી આવી માતાજીના દર્શનનો લાભ લેતા હોય છે. લાખોની સંખ્યામાં આવતા માઇભકતોની સુવિધા અને કોઈપણ જાતની અગવડતા ન સર્જાય તે હેતુથી અંબાજી મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સુવિધાઓ માટે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
અંબાજી ભાદરવી પૂનમ મહામેલા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તો માતાજીના વ્યવસ્થિત તરીકે દર્શન કરી શકે તે હેતુથી અંબાજી મંદિરના શક્તિ દ્વારા આગળ રેલિંગની વ્યવસ્થાઓ ઊભી કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. અંબાજી મંદિરના શક્તિ દ્વાર આગળનો એક તરફનો હાઇવે માર્ગ યાત્રાળુઓની સુવિધા અને દર્શન રેલિંગની કામગીરી માટે હાલ બંધ કરી દેવાયો છે. જેથી મોટી સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ માતાજીના દર્શન કોઈપણ મુશ્કેલી વગર કરી શકે. રેલિંગની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે એક તરફનો હાઇવે માર્ગ બંધ કર્યો છે. તો બીજા તરફનો હાઇવે માર્ગ હાલમાં વાહનોને આવવા જવા માટે ચાલુ છે.