પાલનપુર-ડીસા હાઇવે પર ગાડી આગળ ઈકો કાર અથડાવી વેપારીની આંખમાં મરચું નાખી અજાણ્યા શખ્સોએ રૂ. 6 લાખની લૂંટ ચલાવી
પાલનપુર-ડીસા નેશનલ હાઈવે ઉપર એક વેપારીની ગાડી સાથે ઈકોગાડી ટકરાવી ઈકો ગાડીમાં સવાર લોકોએ 6 લાખથી વધુની રકમ ભરેલી બેગની લૂંટ ચલાવી હતી. રાત્રિના સમયે લૂંટનો બનાવ બનતા એસ.ઓ.જી, એલસીબી સહિત બનાસકાંઠા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ડીસા હાઈવે કુશલ પાટિયા નજીક ડીસાથી આવી રહેલા એક વેપારીની ગાડી સાથે ઈકો ગાડી ટકરાવી વેપારીની આંખમાં મરચું નાખી અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ ઈકો ગાડી વેપારીની ગાડી આગળ જઈ ઉભી કરી ગાડીમાંથી વેપારીને નીચે ઉતાર્યો હતો. જોકે, વેપારીએ ઇકો ગાડીની નંબર પ્લેટ પર નજર મારતાં ઇકો ગાડીની આગળ પાછળ નંબર પ્લેટ ન હતી.
ઈકો ગાડીમાંથી કેટલાક ઇસમો નીચે ઉતરી વેપારી નજીક જઈ મોઢા પર મરચાની ભૂકી નાખતા વેપારીને થોડા સમય માટે અંધાપો છવાઇ ગયો હતો અને કેટલાક ઈસમોએ લાકડી વડે વેપારીને માથાના ભાગે માર મારવા લાગ્યા હતા. તે દરમિયાન ગાડીમાંથી એક અન્ય ઈસમ ઉતરી વેપારીની સ્કોર્પીઓ ગાડીમાંથી 6 લાખ ભરેલી બેગ ઉઠાવી ઈકો ગાડીમાં બેસી ગયો હતો અને ત્યારબાદ ઇકો ગાડી લઇ ફરાર થઇ ગયો હતો.
વેપારીને મારી રહેલા બે ઈસમો હાઈવે પર રોડની બાજુમાં ખેતરોમાં દોડી ગયા હતા. બનાવની જાણ બનાસકાંઠા પોલીસને થતા એલ.સી.બી, એસ.ઓ.જી સહિત બનાસકાંઠા પોલીસ ઘટનાસ્થળ પર તાત્કાલિક દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત વેપારીને સારવાર માટે પાલનપુર ખસેડી બનાસકાંઠા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.