વિશ્વભરમાં વિખ્યાત અંબાજીમાં નવરાત્રિના પહેલાં દિવસે જ માઇભક્તોનો ઘોડાપૂર ઊમટ્યુ
મા અંબાની આરાધના અને માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી મા અંબાના ધામે અંબાજી આવે છે. મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. મા જગત જનની જગદંબા ન ધામે કોઈપણ ઉત્સવ કે પર્વ ધૂમધામથી મનાવવામાં આવતો હોય છે. ભક્તો પણ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ સફળતાપૂર્વક પૂર્ણ કરે છે. આજથી આસો સુદ નવરાત્રિનો પ્રારંભ થયો છે.
શક્તિનો મહાપર્વ નવરાત્રિનો આજે પ્રથમ દિવસ છે. આસો સુદ એકમના રોજ નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીની મંગળા આરતી સવારે 7:30 કલાકે કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માઇભક્તો આ મંગળા આરતીમાં જોડાયા હતા. વહેલી સવારથી મા અંબાનું મંદિર માઇભક્તોથી ઉભરાયું હતું. લાંબી લાંબી લાઈનો અને રેલીગોંમાં ભક્તો ઊભા જોવા મળ્યા હતા.
નવરાત્રી પર્વને લઈને મા જગતજનની જગદંબાનું મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આજે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપના 11 કલાકથી લઈને 12 કલાક સુધી કરવામાં આવશે. જેમાં અંબાજી મંદિરના ભટજી મહારાજ અને મંદિરના વહીવટદાર સાથે મંદિરના અધિકારીઓ અને પૂજારીઓ આ વિધિમાં જોડાશે.
આજથી અંબાજી મંદિરના સમયમાં ફેરફાર
આરતી સવારે – 07:30 થી 08:00
દર્શન સવારે – 08:00 થી 11:30
રાજભોગ બપોરે – 12:00 કલાકે
દર્શન બપોરે – 12:30 થી 04 :15
આરતી સાંજે – 06:30 થી 07:00
દર્શન સાંજે – 07:00 થી 09:00