અંબાજી મંદિરના શક્તિદ્વાર સામેના ખોડી વડલી સર્કલથી જુના નાકા સુધીના રોડને નો પાર્કિંગ જાહેર કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજી ધામ ધાર્મિક સ્થળ હોવાથી મા અંબાજીના દર્શનાર્થે દરરોજ હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા રહેતી હોવાથી અંબાજી શહેરના ટ્રાફીક નિયમન હેતુસર અંબાજી મંદિરના શક્તિદ્વાર સામેના ખોડી વડલી સર્કલથી જુના નાકા સુધીના રોડને ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાતું જાહેરનામું જિલ્લા મેજીસ્ટ્રેટ વરુણ કુમાર બરનવાલ (આઈ.એ.એસ.) બનાસકાંઠા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. 51 શક્તિપીઠ સર્કલથી ગબ્બર સર્કલ (શક્તિ ચોક) સુધી, 51 શક્તિપીઠ સર્કલથી કૈલાસ ટેકરી સુધી, 51 શક્તિપીઠ સર્કલથી અંબાજી હેરીટેજ હોટલ સુધી, 51 શક્તિપીઠ સર્કલથી ગ્રામ પંચાયત ખોડીયાર ચોક માન સરોવર સુધી, મંદિરની પાછળ આવેલા માનસરોવર રોડ, ગબ્બર તળેટી સર્કલથી ચુંદડીવાળા માતાજી સ્થાનકના ગેટ સુધીના રોડને ‘નો પાર્કિંગ ઝોન’ જાહે૨ કરવામાં આવ્યું છે.

પાર્કિંગ માટે અંબાજી મંદિર હસ્તકના પાર્કિંગ સ્થળ શક્તિદ્વારની સામેનું પાર્કિંગ, અંબાજી ભોજનાલયની બાજુનું પાર્કિંગ અને ગબ્બર પાર્કિંગ નંબર-1 અને 2 ખાતે વ્યવસ્થા કરેલી છે. ટ્રાફીક નિયમન માટે વધારાની સુવિધા તરીકે પાલનપુર તથા દાંતા તરફથી આવતા વાહનોની અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકની આર્ટસ અને કોમર્સ કોલેજની આગળની ખુલ્લી જગ્યામાં વાહનો પાર્ક કરવા તેમજ હિંમતનગર તથા ખેડબ્રહ્મા તરફથી આવતા વાહનોને કૈલાસ ટેકરી હસ્તકની તથા તેની આજુબાજુની ખુલ્લી જગ્યામાં વાહન પાર્ક કરી શકાશે.

નો પાર્કિંગ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારા વ્યક્તિ પર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 તથા ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામાના મુસદામાં જણાવેલા ‘નો પાર્કિંગ ઝોન’ વિસ્તાર જાહેર કરવા બહાર પાડવાં ધારેલા પ્રાથમિક/ હંગામી જાહેરનામાનો મુસદો તેનાથી અસર થતા લાગતા વળગતા તથા તમામની જાણ માટે પ્રસિદ્ધ ક૨વામાં આવે છે. આ પ્રાથમિક જાહેરનામું ગુજરાત સરકારના ગેઝેટમાં પ્રસિદ્ધ થયા તારીખથી ત્રીસ દિવસની અંદર કોઈપણ વ્યક્તિ તરફથી વાંધા સુચનો જિલ્લા મેજીસ્ટ્રેટને લેખીતમાં મોકલવામાં આવશે તો તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવશે. ઉપરોક્ત હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.