ડીસા પાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રાજીનામાની અટકળો વચ્ચે પ્રમુખ સામે 22 સભ્યોનો બળવો
ઠંડી વચ્ચે જિલ્લાના રાજકારણમાં ગરમાવો: બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકામાં ચાલતા આંતરિક વિખવાદ વચ્ચે 22 સભ્યોએ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે. છેલ્લા કેટલાય દિવસોથી પાલિકા પ્રમુખ પર રાજીનામું આપી દેવાની ચાલી રહેલી અટકળો વચ્ચે આજે 22 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરતા સમગ્ર જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં છેલ્લા ઘણા સમયથી ભાજપના સભ્યો બે જૂથોમાં વહેંચાઈ ગયેલા છે. જેમાં પાલિકાની બીજી ટર્મમાં સંગીતાબેન પ્રકાશભાઈ દવે પ્રમુખ બન્યા ત્યારથી એક જૂથ તેઓના વિરોધમાં થઈ ગયું હતું તેમજ પાલિકા પ્રમુખ તરીકે સંગીતાબેનનું નામ જાહેર થતાં જ એક જૂથે વિરોધ કરી પાલનપુર જિલ્લા ભાજપ ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યું હતું. ત્યારબાદ સવા વર્ષ દરમિયાન સતત અવારનવાર નારાજ સભ્યોએ રજૂઆતો કરી, રાજીનામાં આપી છેક પક્ષના મોવડી મંડળ સુધી રજૂઆતો કરી સંગીતાબેનને હટાવવા અનેક પ્રયાસો કર્યા હતા.
અવિશ્વાસની દરખાસ્તના પત્રમાં જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખ નગરપાલિકા એક્ટની જોગવાઈઓ મુજબ કાર્ય કરવામાં, શહેરમાં રોડ રસ્તા પાણી તેમજ વિકાસના કાર્યો કરવામાં અસફળ રહ્યા છે. તેમજ સભ્યો સાથે અને સંગઠનના પદાધિકારીઓ સાથે ગેરવર્તણૂક, પાર્ટીના મેન્ડેટની અવગણના કરવી તેમજ ભ્રષ્ટાચાર કરી મનસ્વીપણે વહીવટ ચલાવી રહ્યા હોવાનું દર્શાવ્યું હતું. આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલે જણાવ્યું હતું કે પાલિકાના 22 સભ્યોની સહી સાથે પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તનો પત્ર મળ્યો છે. જેથી આ બાબતે હવે આગામી પંદર દિવસમાં પાલિકાની ખાસ સાધારણ સભા બોલાવવામાં આવશે.
22 સભ્યોમાંથી કેટલાની સહી સાચી તે પ્રશ્નાર્થ: ડીસા નગરપાલિકામાં પ્રમુખ સામે ભાજપના જ જૂથ સહિત 22 સભ્યોની સહી સાથેનો અવિશ્વાસની દરખાસ્તનો પત્ર ચીફ ઓફિસરને આપવામાં આવ્યો છે. પરંતુ તેમાં અનેક સભ્યો ડીસા રહેતા નથી તેમજ અનેક સભ્યોનો સંપર્ક પણ થઈ શકતો નથી. તો આ પત્રમાં કરાયેલી સભ્યોની સહી કેટલી સાચી ? તે અંગે પણ લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે.