બનાસકાંઠામાં નવ બેઠક પર 1 વાગ્યા સુધીમાં સરેરાશ 37.48 ટકા મતદાન, સૌથી વધુ થરાદમાં 46 ટકા મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠક પર આજે મતદાન યોજાઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જિલ્લાની નવ બેઠકો પર 1 વાગ્યા સુધીમાં 37.48 ટકા મતદાન થયું છે. જિલ્લામાં સૌથી વધુ થરાદમાં 46 ટકા અને સૌથી ઓછું વાવમાં 31.50 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લાની 9 બેઠકોના 24 લાખ 90 હજાર 926 મતદારો આજે ભાજપ,કૉંગ્રેસ, આપ અને અન્ય સહિત 75 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
‘મારા એક મતથી શું ફેર પડે?’ ચૂંટણી સમયે આ પ્રકારનો વિચાર વ્યકત કરી અનેક લોકો મતદાન કરવાથી દૂર રહેતા હોય છે. ત્યારે આવા લોકોને પ્રેરણા મળે તે માટે ડીસાના કિરીટભાઈ ખત્રીએ અસામાન્ય સંજોગોમાં પણ મતદાન કરી પ્રેરણા પૂરી પાડી છે. કિરીટભાઈ ખત્રી છેલ્લા કેટલાક સમયથી વેન્ટિલેટર પર હતા. હાલ પણ તે સારવાર હેઠલ છે. આજે ચૂંટણી હોય કિરીટભાઈ ખત્રી પોતાના ડોકટરને સાથે રાખી એમ્બ્યુલન્સમાં મતદાન કરવા પહોંચ્યા હતા. આ જોઈ મતદાન મથક પરનો સ્ટાફ અને અન્ય મતદારો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા.