પાલનપુરના તિરુપતિ રાજનગર માં 51 કન્યા પૂજન સાથે નવરાત્રિનો શુભારંભ
ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નવરાત્રિ મહોત્સવ: શક્તિ, ભક્તિ અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. જેમાં ગુજરાતીઓ મન મુકીને નવ દિવસ “માઁ” ની આરાધના કરી માઁ ના ગરબા ગાય છે. જેમાં ન્યુ પાલનપુરની તિરુપતિ રાજનગર માં નવરાત્રિના પ્રથમ દિવસે 51 દીકરીઓનું કન્યા પૂજન કરી નવરાત્રિ પર્વનો શુભારંભ કરાયો હતો.
ગુજરાતની આગવી ઓળખ સમાં નવરાત્રિ મહોત્સવ નો શુભારંભ થયો છે. ત્યારે પાલનપુરમાં ઠેરઠેર શેરી ગરબા તેમજ પાર્ટી પ્લોટોમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન થયું છે. નવરાત્રિના પ્રથમ નોરતા ની શરૂઆત થતાની સાથે જ પાલનપુર આબુ હાઇવે પર આવેલા ન્યુ પાલનપુર વિસ્તારની તિરુપતિ રાજનગર સોસાયટીમાં સોસાયટીના રહીશો દ્વારા 51 દીકરીઓ કન્યા પૂજન કરી નવરાત્રિ પર્વનો શુભારંભ કરાયો હતો.
આ પ્રસંગે તિરુપતિ રાજનગર સોસાયટીના પ્રમુખ મનોજ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, 51 શક્તિપીઠ સમી 51 દીકરીના પરિવારજનો દ્વારા શાસ્ત્રોક્ત વિધી સાથે દીકરીઓની પૂજા કરી તેમના કુમકુમ પગલાં પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ પરિવાર જનોએ ભારતીય સંસ્કૃતિ અનુરૂપ ગરબે ઘૂમી “માં” ના ગુણલા ગાયા હતા. આમ, પાર્ટી પ્લોટને પણ આંજી દે તેવો ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો નવરાત્રિ મહોત્સવ યોજવામાં આવ્યો છે.
Tags Kanya Palanpur's Poojan