બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ દિવસની કરાઈ ઉજવણી
‘પ્રાકૃતિક ખેતી- ભવિષ્યની જરૂરિયાત’ વિષય પર ખેડૂતોને માર્ગદર્શન અપાયું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં તા.૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધ કાર્યક્રમો રાજયભરમાં યોજાઈ રહ્યાં છે.
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ’ દ્વારા આયોજિત ‘પ્રાકૃતિક કૃષિ દિવસ’ની ઉજવણી કરાઈ હતી. થીમેટિક દિવસને ધ્યાને લઈને જિલ્લાના તમામ તાલુકાઓમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ઉજવણી કરાઇ હતી. જેમાં પાલનપુરના ઢેલાણા ખાતે, વડગામના હડમતીયા, અમીરગઢના અજાપુર વાકા, દાંતીવાડાના ચોડુંગરી, ડીસાના ખરડોસણ, લાખણી, ધાનેરાના કોટડા ધાંખા ખાતે થરાદના સવપુરા, વાવના બિયોક ખાતે, સુઈગામના ચાળા, ભાભરના દેવકાપડી, દિયોદરના મેસરા તેમજ કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામ ખાતે ઉજવણી કરાઈ હતી.
કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના અધિકારીઓ,વિસ્તરણ અધિકારીશ્રી ખેતી, ગ્રામ સેવકશ્રીઓ અને આત્મા યોજનાનો સ્ટાફ તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામો જેવા કે બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપ્સા, મિશ્ર પાક પદ્ધતિ વિશે ખેડૂતોને વિસ્તૃત સમજ અપાઇ હતી. ગાય યોજનાના મંજૂરી હુકમ પણ એનાયત કરાયા હતા. સૌએ વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ દિવસની ઉજવણી કરી અને શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં ‘પ્રાકૃતિક ખેતી- ભવિષ્યની જરૂરિયાત’ માટે મહાનુભવો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમજ બહોળા પ્રમાણમાં ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતીને અપનાવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશોનો સ્ટોલ, બનાસ ડેરી દ્વારા ઓર્ગેનિક વસ્તુઓનો સ્ટોલ પ્રદર્શન રૂપે મૂકવામાં આવ્યા હતા.