વેપારીઓ સામે પાલિકા ઘૂંટણિયે : ભાડા વધારો મોકૂફ, વિપક્ષે વોક આઉટ કરી રોડ પર ઉતરી કર્યું વિરોધ પ્રદર્શન

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ: ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં વિપક્ષના વોક આઉટ વચ્ચે બહુમતિના જોરે બોર્ડ સંપન્ન થતા વિપક્ષે રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, પાલિકાની માલિકીની લીઝ પર અપાયેલી દુકાનોનો ભાડા વધારો મોકૂફ રાખી પાલિકા વેપારી ઓ સામે ઘૂંટણિયે પડતા સમગ્ર મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો છે.

ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાની સાધારણ સભા આજરોજ પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજનાના રૂ.આઠ કરોડ સહિતના વિકાસ ના કામોને બહાલી અપાઈ હતી. જોકે, કારોબારી કમિટીએ પાલિકા ની લીઝ પર આપેલી દુકાનોના ભાડા વધારા કરતો ઠરાવ કર્યો હતો. જેની સામે વેપારીઓએ વિરોધ  કરતા આ ઠરાવ પુનઃ વિચારણા માટે પરત મોકલવાનો નિર્ણય લેવાયો હોવાનું પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીએ જણાવ્યું હતું. આ સાધારણ સભામાં પાલિકાના ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ, ચીફ ઓફિસર નરેશ પટેલ સહિત અધિકારીઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

વિપક્ષે રોડ પર કર્યું વિરોધ પ્રદર્શન: જોકે, નગરપાલિકાની આજની સાધારણ સભામાં વિપક્ષનો અવાજ રૂંધવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો સાથે વિપક્ષે વોક આઉટ કર્યો હતો. જોકે, સાધારણ સભામાં પોતાનો અવાજ ન સંભળાતા વિપક્ષે રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ભાજપના ભ્રષ્ટ વહીવટ સામે વિપક્ષ કોંગ્રેસના નગરસેવકોએ  એપ્રન બેનરો પહેરી વિરોધ જતાવ્યો હતો. વિપક્ષના નેતા અંકિતા ઠાકોરે ભાજપની નગર પાલિકા તમામ મોરચે નિષ્ફળ ગઈ હોવાના આકરા પ્રહારો કર્યા હતા.

પ્રજાને માથે કમરતોડ વધારો:વેપારીઓ સામે ઘૂંટણિયે..!  રહેણાંક વિસ્તારોમાં સમયાંતરે મિલ્કત વેરામાં કમરતોડ વધારો ઝીંકી પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માં ઉણી ઉતરનાર નગરપાલિકાના કારોબારી ચેરમેન પિયુષ પટેલે પાલિકાને આર્થિક રીતે સમૃદ્ધ કરવાના ઇરાદે હિમંત દાખવી પાલિકાની માલિકીની લીઝ પર આપેલી 1200 મિલકતોના ભાડા માં નજીવો વધારો કરવાનો ઠરાવ કર્યો હતો. જોકે, લાખો-કરોડોની મિલ્કતની લીઝ ધરાવતા અને પેટા ભાડુઆતમાં હજારો રૂપિયાનું તગડું ભાડું વસુલતા મુઠ્ઠીભર વેપારીઓના વિરોધને પગલે પાલિકા ઘૂંટણિયે પડી જતા આજના જનરલ બોર્ડમાં કારોબારીના ઠરાવને બહાલી આપવાને બદલે ભાડા વધારો મોકૂફ રાખી પુનઃ વિચારણા કરવા ઠરાવ પરત મોકલાયો હતો.

આમ, ગરીબ અને મધ્યમવર્ગના રહેણાંક મિલ્કત ધારકોના મિલ્કત વેરો, પાણી વેરો, સફાઈ વેરો સહિતના વેરામાં વધારો ઝીંકનારી પાલિકા માલેતુજાર વેપારીઓ સામે ઝૂકી જઈ ભાડા વધારો પરત ખેંચતા રાહુલ ગાંધીના ભાજપ સરકાર અમીરોની સરકાર છે તેવા આક્ષેપોને બળ મળવાની સાથે ભાજપનો દંભી ચહેરો બેનકાબ થઈ ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.