
મુંબઈગરાઓ રેલવે ટ્રેન મારફતે પાલનપુર આવી પહોંચ્યા
રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જીલ્લા મથક પાલનપુર સ્થિત રેલવે સ્ટેશન ખાતે સોમવારે બોરીવલી થી પાલનપુર શ્રમિક ટ્રેનમાં મુંબઇ સહિતના વિસ્તારમાં રહેતા મુળ બનાસકાંઠા જિલ્લાના ૧૨૦૦થી વધુ લોકોનું આગમન થયું હતુ. જેમનું સ્ક્રેનિંગ સહિતનું ચેકઅપ કરીને તેમના વતનમાં રવાના કરવામાં આવ્યા હતા.
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ હજુ પણ વિસ્તરી રહ્યો છે. જ્યાં ગુજરાત સહિતના રાજ્યોમાં લોકડાઉન અપાયા બાદ હવે ધીમે ધીમે છુટછાટો અપાઇ રહી છે. જેમાં અન્ય રાજ્યોમાં ધંધા – વ્યવસાય માટે ગયેલા અને ત્યાં ફસાઇ ગયેલા લોકોને ખાસ ટ્રેનો મારફતે વતનમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દરમિયાન બનાસકાંઠા જીલ્લા મથક પાલનપુર સ્થિત રેલવે સ્ટેશન ખાતે સોમવારે બોરીવલી થી પાલનપુર શ્રમિક ટ્રેનમાં મુંબઇ સહિતના વિસ્તારમાં રહેતા મુળ બનાસકાંઠા જિલ્લાના ૧૨૦૦થી વધુ લોકોનું આગમન થયું હતુ. જેમનું સ્ક્રેનિંગ સહિતનું ચેકઅપ કરીને તેમના વતનમાં રવાના કરવામાં આવ્યા હતા. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતુ કે, અનલોક – ૧ ની સોમવારે શરૂઆત થયા બાદ બોરીવલી થી પાલનપુર શ્રમિક ટ્રેન સોમવારે પાલનપુર રેલવે સ્ટેશને આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ગઠામણ, ભાગળ (જ) સહિત જિલ્લાના અન્ય વિસ્તારના લોકો પરત આવ્યા હતા. જેમનું જરૂરી મેડીકલ ચેકઅપ કરીને બસો દ્વારા વતનમાં મોકલવામાં આવ્યા હતા. જોકે, દેશભરમાં કોરોનાના સૌથી મોટા હોટસ્પોટ બનેલા મુંબઇથી આવેલા મુંબઇગરાઓને લઈને જિલ્લા વાસીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
Tags Banaskantha Mumbai