થરાદની નહેરમાં પાણી ઓછું થતાં પાલિકાને મોટરો ઉંડી ઉતારવાની ફરજ પડી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : નર્મદા નહેરમાં સિપુયોજનાનો કોફરડેમ બનાવવાની કામગીરીના કારણે નહેરમાં પાણી બંધ કરાતાં સ્ટૉકનો પુરવઠો પણ ઓછો થવા પામ્યો છે. જેને કારણે નહેરમાં મુકવામાં આવેલી નગરપાલિકાની મોટરો બહાર રહે તો તેમાં માટી આવવાની દહેશતના કારણે મોટર બળવાની ભીતી પણ ઉભી થવા પામી છે. આથી પાલિકા દ્વારા તેમાં સફાઇ કરી તેને ઉંડી ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે નહેરમાં પાણી ઓછું થતાં નગર તથા ગ્રામિણ વિસ્તારોમાં પીવાના પાણીની અછત સર્જાય તે માટેની વ્યવસ્થા પણ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. નર્મદાની મુખ્ય સાંકળ ૪૨૪.૦૦૦ કિમી (ખાનપુર) થી ૪૪૦.૦૦૦ કિમી (વામી)ની વચ્ચે સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. જેના માટે નર્મદા મુખ્ય નહેરમાં વહેવડાવવામાં આવતા પાણીને સાત દિવસ વહેવડાવવાનું બંધ કરવામાં આવ્યું છે. જેની વચ્ચે બે દિવસનો સમય જતાં નહેરમાં પાણી નહી વહેવાના કારણે સ્ટોક કરીને રાખવામાં આવેલ પાણીપુરવઠો પણ ઘટવાના કારણે નહેરમાં પાણીનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થઇ જવા તરફ જઇ રહ્યું છે. બીજી બાજુ પાણીપુરવઠાબોર્ડ અને નગરપાલિકા દ્વારા નર્મદા નહેરમાં મોટરો ગોઠવીને પાણી લઇને નગર તથા ગ્રામિણ વિસ્તારોમાં આપવામાં આવે છે.
પરંતુ નહેરમાં પાણીનું લેવલ ઘટવાના કારણે નગરપાલિકા દ્વારા નહેરમાં મુકવામાં આવેલી મોટરો ધીમે ધીમે ખુલ્લી થવા પામી હતી. આથી તેમાં માટી અને કચરો ભરાવવાની અને મોટર બળી જવાની સમસ્યા ઉભી ન થાય તે માટે શનિવારે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા નહેરમાંથી માટી કાઢીને મોટરો ઉંડી ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે નગરપાલિકાના કર્મચારીઓએ જણાવ્યું હતું કે મોનોબ્લોક મોટરો હોવાના કારણે કચરો આવતાં તરત કારણે બળી જતી હોય છે. જો કે નગર તથા ગ્રામિણ વિસ્તારોમાં નહેરમાંથી પીવા માટે પાણી અપાતું હોઇ સરહદી પંથકના ૨૦થી વધુ ગામોમાં પાણીની અછત સર્જાવાની દહેશત પણ ભર ચોમાસે ઉઠવા પામી છે. જેની સામે નગરપાલિકાના ચીફઓફીસર પંકજ બારોટ અને પ્રમુખ જાનકીબેન ઓઝા તથા ઉપપ્રમુખ રમેશભાઇ રાજપુત દ્વારા આ કામગીરી ચાલુ કરાવી હતી. તેમણે જણાવ્યું હતું કે થરાદ નગરને પાણીની સમસ્યા ન સર્જાય તેના માટે નગરપાલિકા દ્વારા બે બોર ચાલુ કરવામાં આવ્યા છે. તેમ જ ૧૦ ટેકરોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.