મોન્સૂન વિડ્રોલ : બનાસકાંઠા જિલ્લામાં સત્તાવાર રીતે ચોમાસાનો સમયગાળો પૂર્ણ થયો
ચાલુ વર્ષે સિઝનનો 94.28 ટકા વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ લાખણીમાં
આગામી આઠમી ઓક્ટોબરથી શિયાળુ પવન શરૂ થવાની શક્યતાઓ : હવામાન નિષ્ણાતો
સીઝન ની છેલ્લી સિસ્ટમનો પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદનો લાભ ઓછો મળતા પ્રજાજનોમાં નિરાશા
રાજ્યમાં ચોમાસુ સિઝન દરમિયાન અનેક સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ થવા પામ્યો પરંતુ આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં આ સિઝનમાં મેઘરાજાએ પ્રજાજનોને નિરાશ કરી સિઝન પૂર્ણ થતા હવે આગામી સમયમાં કોઈ ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી નથી અને વરસાદની સર્જાયેલી છેલ્લી સિસ્ટમમાં પણ બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદ વચ્ચે ચોમાસુ ઋતુ એ વિદાય લીધી છે હવામાન વિભાગ દ્વારા 1 જુન થી 30 સપ્ટેમ્બર સુધી મોન્સુન સીઝન ગણવામાં આવે છે અને 30 સપ્ટેમ્બર બાદ થતા વરસાદ ની ગણના ચોમાસુ ઋતુમાં થતી નથી ત્યારે આ વર્ષે 1 ઓક્ટોબર સુધી બનાસકાંઠા જિલ્લામાં 94.21 ટકા વરસાદ થવા પામ્યો છે.
જેમાં આ વર્ષે સૌથી વધુ લાખણી તાલુકામાં 135 ટકા જેટલો વરસાદ નોંધાયો છે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે નોંધાયેલા સામાન્ય વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા તળાવો ચેક ડેમો પણ ખાલી ખમ જોવા મળી રહ્યા છે જેના કારણે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભજળની પણ સમસ્યા ધેરી બનશે છેલ્લા 2 દિવસથી ભયંકર બફારો, ગરમી અને ક્યારેક દેખાતા કાળાં ડીબાંગ વાદળોના કારણે વરસાદ વરસવાની દહેશત છે. છતાં ચોમાસુ વિધિવત રીતે વિદાય થયું છે. જો કે ઉત્તર ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ 17 ટકા વધુ વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લામાં સર્વાધિક 133 ટકા જ્યારે વાવેતરની દ્રષ્ટીએ સૌથી મોટો વિસ્તાર ગણાતા બનાસકાંઠામાં જિલ્લામાં સૌથી ઓછો સિઝનનો વરસાદ વરસ્યો છે.
બનાસકાંઠા જિલ્લાની જીવા દોરી સમાન દાંતીવાડા ડેમ પણ 50 ટકા કરતાં પણ અધૂરો રહ્યો: બનાસકાંઠા જિલ્લા ઉપરાંત દાંતીવાડા ના ઉપરવાસમાં આ વર્ષે કોઈ ભારે વરસાદ નો રાઉન્ડ બહુ ઓછા આવતા ચાલુ સિઝનમાં દાંતીવાડા નો ડેમ ૫૦ ટકા જેટલો પણ પૂર્ણ થયો નથી જેથી ખેડૂતોમાં પણ ચિંતા નો માહોલ છતાં રહ્યો છે દાંતીવાડા ડેમમાં છેલ્લી અપડેટ પ્રમાણે 48.22 ટકા જેટલો પાણી ની આવક નોંધાઇ છે.
Tags Banaskantha ended monsoon