પાલિકા દ્વારા 1200 લીઝ ધારકોના ભાડામાં નજીવો વધારો : પ્લાસ્ટિક મુક્ત પાલનપુરની મુહિમને પણ મંજૂરી
મિલ્કત વેરામાં પણ 10 ટકા વધારાને અપાઈ બહાલી: ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાની કારોબારી સમિતિની આજરોજ બેઠક યોજાઇ હતી. જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો કરાયા હતા. જેમાં પાલિકાની લીઝ પર અપાયેલી 1200 દુકાનોના ભાડા માં નજીવો વધારો કરાયો હતો. જ્યારે મિલ્કત વેરામાં 10 ટકા વધારાને બહાલી અપાઈ હતી. જ્યારે પ્લાસ્ટિક મુક્ત પાલનપુરની રોટરી કલબની મુહિમને પણ મંજૂરી આપવામાં આવી હતી.
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાની કારોબારી કમિટીની બેઠક આજે કારોબારી ચેરમેન પિયુષ પટેલની અધ્યક્ષતામાં મળી હતી. જે કારોબારીમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં પાલનપુર નગરપાલિકાની લીઝ પર અપાયેલી 1200 મિલકતોના ભાડામાં ચોરસફુટે રૂ.2 નો નજીવો વધારો કરાયો છે. આ વધારાથી હાલમાં વર્ષે દહાડે પાલિકાને થતી રૂ. 50 લાખની આવકમાં વધારો થશે. આ ઉપરાંત સરકારના નિયમોનુસાર મિલ્કત વેરાના બેઝિક રેટમાં 10% ના વધારાને બહાલી અપાઈ હતી. જ્યારે ભાગીદારીવાળી મિલ્કતમાં નામ ટ્રાન્સફરની ફી રહેણાંકમાં 1% અને કોમર્શિયલમાં 2% વસુલવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત યુ.ડી.પી ની રૂ.8 કરોડની ગ્રાન્ટના વિકાસના કામોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કારોબારી ચેરમેન જણાવ્યું હતું.
લાખોની મિલ્કત ધરાવતા વેપારીઓનું મામુલી ભાડું..! જોકે, પાલનપુર શહેરમાં કરોડો રૂપિયાની મિલ્કત ધરાવતા લીઝ ધારકો પાસેથી નગરપાલિકા મહિને 500 થી 700 રૂ. ભાડું વસુલે છે. વળી આ દૂકાનદારો પેટા ભાડુઆતો પાસેથી પણ હજારો રૂપિયા વસુલે છે. ત્યારે પાલિકાની માલિકીની લીઝ પર વર્ષે દહાડે લાખો રૂપિયાની કમાણી કરતા વેપારીઓ પાસેથી તગડું ભાડું વસુલ કરવામાં આવે તો પાલિકા ની આર્થિક સ્થિતિ સુધરવાની સાથે વિકાસ કામો પણ થઈ શકે તેમ છે. જેમાં નજીવો વધારો કરવાને બદલે તગડો વધારો કરી રહેણાંક મિલ્કત ધારકોને રાહત આપી શકાય તેમ હોઈ દુકાનદારો પર વધારે ભાવ વધારો ઝીંકવો જોઈએ તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે.
સ્વચ્છ પાલનપુરની રોટરીની મુહિમ પર મંજૂરીની મહોર: પાલનપુર નગરપાલિકાની કારોબારી કમિતિમાં આજે રોટરી કલબ ઓફ પાલનપુરની સ્વચ્છ પાલનપુર સુંદર પાલનપુરની મુહિમ પર મંજૂરી મારવામાં આવી છે. જેમાં રોટરી કલબ પાલનપુર દ્વારા સીમલાગેટ ચોકી પાસે એક મશીન મુકવામાં આવશે. જેમાં માત્ર રૂ.5 માં પેપર બેગ સ્કેન કરવાથી નગરજનોને મળી રહેશે. જેથી પ્લાસ્ટિક મુક્ત ભારતની મુહિમ ને સાર્થક કરતા રોટરીના પ્રયાસને પણ મંજૂરી આપવામાં આવી હોવાનું કારોબારી ચેરમેન પિયુષ પટેલે જણાવ્યું હતું.