બનાસકાંઠાના સત્તાધારી પક્ષના નેતાઓ પ્રત્યે પ્રજાની મીટ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠા જિલ્લામાં ઘટતાં જતા ભૂગર્ભ જળ વચ્ચે ‘રખેવાળ’ દૈનિકમાં ‘લોકમાતા બનાસ નદીનું પેટ ચીરીને સરહદી પંથકને પાણીની લ્હાણી’ અહેવાલ પ્રસિદ્ધ થતા જિલ્લાની હિતેચ્છુ પ્રજાએ એકસુરે જિલ્લાના પ્રજાભિમુખ અભિગમ ધરાવતા સંસદસભ્ય પરબતભાઇ પટેલ અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્‌યાની જુગલબંધી જ આ પ્રાણ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવી શકે તેમ છે તેવો સુર વ્યક્ત કર્યો હતો.
રણ વિસ્તાર ધરાવતા જિલ્લાના વાવ – થરાદ અને સુઇગામ તાલુકામાં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીથી નર્મદાના નીર રેલાયા છે તેથી સૂકા મુલકમાં લીલોતરી છવાઈ છે. નર્મદાના નિરનો કાંકરેજ, ભાભર અને દિયોદર તાલુકાને પણ લાભ મળ્યો છે પરંતુ બાકીના તાલુકાઓમાં હજુ સુધી નર્મદાના નીર પહોંચ્યા નથી ત્યાં વરસાદ પણ અપૂરતો પડતા પાણીની સમસ્યા દિનપ્રતિદિન વિકરાળ બની રહી છે તેમાં પણ બનાસ નદીનું સમૃદ્ધ ભૂગર્ભ જળ ધરાવતા ડીસા તાલુકામાં આખોલ નજીક બનાસ નદીના પટમાં ૧૯૮૨ માં હંગામી ધોરણે બનાવેલ ૮ ની લાંબી સાઈઝના ૧૮ બોર (પાતાળકુવા ) રાત – દિવસ
પેટાળનું પાણી ઉલેચે છે જે પાણી વાવ – થરાદ અને સમગ્ર સુઇગામ તાલુકાને પીવા માટે પૂરું પાડવામાં આવે છે જેનાથી બનાસનું ભૂગર્ભ જળ ખાલી થઈ ગયું છે. તેથી અગાઉ માત્ર ૪૦૦ ફૂટના બોરથી મળતું પાણી આજે ૭૦૦ થી ૮૦૦ ફુટના બોર બનાવવા છતાં પૂરતું પાણી મળતું નથી. તેથી એકમાત્ર ખેતીના વ્યવસાયને મરણતોલ ફટકો પડી રહ્યો છે. હકીકતમાં વાવ- થરાદ અને સુઇગામ તાલુકામાં નર્મદાના નીરની રેલમછેલ થઈ રહી છે જે નિરને શુદ્ધિકરણ કરી પીવામાં ઉપયોગ થઈ શકે છે પરંતુ નબળી નેતાગીરીના કારણે દર ચૂંટણીમાં આ મુદ્દો ચમકવા છતાં આ પાણીના બોર બંધ કરાતા નથી. જેથી ડીસા પંથકમાં ભૂગર્ભ જળમાં ચિંતાજનક હદે ઘટાડો થયો છે અને ૮૦૦ ફૂટના બોર પણ પાણી ઉલેચતા નથી. જેથી ગંભીર જળ સંકટનો ખતરો મંડરાયો છે….!!
પંથકના આ પ્રાણ પ્રશ્નને ‘રખેવાળ’ દૈનિકે ‘લોકમાતા બનાસ નદીનું પેટ ચીરીને સરહદી પંથકને પાણીની લ્હાણી’ શીર્ષક હેઠળ વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ કરી વાચા આપી હતી. જેને બનાસવાસીઓએ પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો અને તેમણે એક સુરે જિલ્લાને વર્ષોથી પજવતા આ પ્રશ્નનું પ્રજાભિમુખ અભિગમ ધરાવતા સંસદસભ્ય પરબતભાઇ પટેલ અને ઝુઝારૂ ધારાસભ્ય શશીકાંત પંડ્‌યા જ સાથે મળી નિરાકરણ લાવવામાં સક્ષમ હોવાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. પ્રજાના આ બંને પ્રતિનિધિ કર્મઠ હોવા સાથે પ્રજાનું હિત તેમના હૈયે વસેલું છે. ખાસ કરીને ખેડૂતોના અનેક પ્રશ્નોની ધારદાર રજૂઆતો કરી તેના નિરાકરણમાં સહભાગી થયા છે યોગાનુયોગ બંને ભાજપના વફાદાર સૈનિક હોવાના નાતે તેમની રજૂઆતો ગંભીરતાથી લેવાય છે અને તેમનો પડ્‌યો બોલ ઝીલાય છે ત્યારે આજે ઘણા નેતા આવ્યા અને ગયા પણ વર્ષોથી આ પડતર પ્રશ્નના નિકાલની પ્રજાને તેમના ઉપર આશા બંધાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.