બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્રમાં મામકા પાંડવાની નીતિ : સ્પેશ્યલ કેસમાં માત્ર 2 CHO ની બદલી કરાતા આક્રોશ
ભાઈ-ભતિજાવાદ, સગાવાદ, જ્ઞાતિવાદ પનપતો હોવાની રાવ; બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય તંત્રમાં ભારે ધુપ્પલબાજી ચાલતી હોવાની રાવ સાથે અધિકારીઓ દ્વારા જ મામકા પાંડવાની નીતિ અખત્યાર કરાતા કર્મચારીઓમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. જેમાં સ્પેશ્યલ કેસમાં માત્ર 2 CHO ની બદલીના ઓર્ડર ચર્ચાની એરણે ચડ્યા છે.
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્રમાં વ્હાલા દવાલાની નીતિ પ્રવર્તી રહી હોવાની રાવ ઉઠી છે. આરોગ્ય તંત્રમાં કર્મચારીઓની બદલીમાં પણ ભાઈ ભતીજા સહિત સગાવાદના આક્ષેપો ઉઠ્યા છે. જે આક્ષેપોને બળ આપતા બે બદલીના ઓર્ડરોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. અગાઉ તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા પારદર્શી બદલીઓના માપદંડ નક્કી કરી દરેક કર્મચારી ઓને ન્યાય મળે તેવી સુચારુ ઓનલાઈન વ્યવસ્થા ગોઠવી હતી. જોકે, સ્વપ્નિલ ખરેની બદલી સાથે જ તેઓના સિદ્ધાંતો ને અભરાઈએ ચડાવી દઈ આરોગ્ય તંત્રના જવાબદાર બાબુ ઓએ બદલીના માપદંડોમાં મામકા પાંડવાની નીતિ અપનાવી હોવાની રાવ ઉઠી છે. હાલમાં આરોગ્ય તંત્રમાં ભાઈ-ભતીજા વાદ, ભાણા-ભાણીવાદ, સગાવાદ અને જ્ઞાતિવાદના દુષણોએ પગ પેસારો કરતા કર્મયોગી કર્મચારી ઓને અન્યાય થતા આરોગ્યતંત્ર લકવા ગ્રસ્ત બન્યું હોવાની રાવ ઉઠી છે.
2 CHO ની સ્પેશ્યલ કેસમાં બદલીથી અસંતોષ
સામાન્ય રીતે સામુહિક બદલીઓ થતી હોય છે. એમાં એક જ ઓર્ડરમાં બદલીપાત્ર કર્મચારીઓ ના નામ હોય છે. જ્યારે તાજેતર માં આરોગ્ય તંત્રના જવાબદાર અધિકારીઓએ નીતિ નિયમોને કોરાણે મૂકી સ્પેશ્યલ કેસમાં 2 CHO ના બદલીના સિંગલ સિંગલ ઓર્ડર કરતા અન્ય બદલી ઇચ્છુક CHO માં ભારે અસંતોષ સાથે આક્રોષની લાગણી પ્રવર્તી રહી છે.
દાંતીવાડા THO એ કરી ફરિયાદ
બનાસકાંઠા આરોગ્ય તંત્રમાં ખાનગી ગાડીઓ ભાડે રાખવામાં આવી છે. જોકે, ગાડીઓ ભાડે આપતા ઇજારદાર દ્વારા આરોગ્ય તંત્રના ટેન્ડરોની શરતોનું ઉલ્લંઘન થતું હોવાની રાવ ઉઠી છે. એમાંય વળી દાંતીવાડા તાલુકા હેલ્થ અધિકારીએ ભાડે રાખેલ ગાડીની અનિયમિતતા અંગે ઇજારદારનું ધ્યાન દોરતા મુકેશ પટેલ નામના ઇજારદારે તાલુકા આરોગ્ય અધિકારીને ધમકી આપી હોવાની લેખિત ફરિયાદ THO દાંતીવાડા એ કરતા ઇજારદારને છાવરતા આરોગ્ય તંત્રના સરકારી બાબુઓ માં પણ ભીનું સંકેલવા માટે દોડધામ મચી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.
Tags Banaskantha CHO Mamka transferred