લાખણીના ડોડીયાથી લાલપુરનો કાચો રોડ બેટમાં ફેરવાયો : કાચો રોડ પાકો બનાવવાની ઉગ્ર માંગ
લાખણી તાલુકામાં બે દિવસ અગાઉ ખાબકેલા 12 ઇંચ વરસાદને કારણે તાલુકા ભરમાં વ્યાપક તારાજી સર્જાઈ છે. જેમાં ડોડીયાથી લાલપુરનો કાચો રસ્તો પણ બેટમાં ફેરવાઈ જતા બંને ગામની પ્રજા ભારે હાલાકીઓ વેઠી રહી છે.બંને ગામોની પ્રજા મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે પરંતુ ભારે વરસાદના કારણે બંને ગામોને જોડતો એક માત્ર રોડમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા પ્રજાને અવરજવર કરવી મુશ્કેલ થઈ પડી છે.
જેમાં ખેતરમાં આવેલી ડેરીએ દૂધ ભરાવવા જતા પશુપાલકો, ખેતરોમાં જતા ખેડૂતો, સ્કૂલે જતા બાળકો, ધંધાદારી અને મજૂર વર્ગના લોકો ભારે હાડમારીઓ વેઠી રહ્યા છે. ગામ લોકોએ આ બાબતે સ્થાનિક ભાજપના નેતાઓનો સંપર્ક કરતા તેમણે સંસદ સભ્ય અને અને ધારાસભ્યને રજૂઆત કરવાનું જણાવી ઉડાઉ જવાબ આપ્યો હતો.જેના કારણે લોકોમાં રોષની લાગણી છવાઈ હતી. જોકે તલાટીએ સંતોષકારક જવાબ આપ્યો હતો ત્યારે ગામ લોકોએ આ કાચો રોડ સરકારની કિસાન પથ યોજના હેઠળ પાકો બનાવવા અને સત્વરે વરસાદી પાણીના નિકાલની માંગ પણ કરી હતી.