ખુદપાલનપુરને નગરપાલિકા બનાવી રહી છે ગંદકીનું ધામ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર
કોરોનાના કહેર વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છતા અભિયાનની ખુદ ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા જ હાંસી ઉડાવી રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ૧૬ મો ક્રમ પ્રાપ્ત કરનારી પાલનપુર નગરપાલિકા ખુદ ગંદકી ફેલાવી જાહેર આરોગ્ય સાથે ખીલવાડ કરી રહી છે.
૫૦ હજારથી ૧લાખની વસ્તી ધરાવતી ગુજરાતની ૩૦ નગરપાલિકાઓના સ્વચ્છતા સર્વેક્ષણમાં પાલનપુર નગર પાલિકાનો ૧૬મો નંબર આવ્યો છે. ત્યારે ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના રાજમાં સ્વચ્છતા અભિયાનની રખેવાળે

રિયાલિટી ચેક કરી તો ફૂલો અને અત્તરોની નગરીની દુર્દશા જોવા મળી હતી. જી હા, પાલનપુરમાં ખુદ નગરપાલિકા જ ગંદકી ફેલાવી રહી છે. નગરપાલિકાના પાપે આજે પાલનપુર નગર ગંદકીનું ધામ બન્યું છે. પાલનપુર નગરપાલિકાની ડમ્પિંગ સાઈડ ગંદકીથી ખદબદી રહી છે. અહીં રોડ પર ખુદ પાલિકા જ ગંદકી ફેલાવી રહી છે. અહીં ઠલવાતી ગંદકીને લઈને રોડ પરથી ચાલવું પણ દુષ્કર બન્યું છે. લોકો મોઢે રૂમાલ બાંધીને પસાર થતા જોવા મળી રહ્યા છે. માથું ફાટી જાય તેવી દુર્ગંધ વચ્ચે લોકોના જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતી પાલનપુર નગરપાલિકા સામે લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. પાલનપુરના સામાજિક કાર્યકર રવિ સોનીએ તો પાલનપુર નગરપાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણમાં આવેલા ૧૬માં ક્રમ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. ડમ્પિંગ સાઈડ પરના રોડ પરથી રામપુરા, કરઝા, માલણ સહિતના ગામમાં જવાય છે. જે રોડ પર કચરા સાથે મૃત પશુ પક્ષીઓના અંગો પણ ખુલ્લેઆમ જોવા મળી રહ્યા છે. જેને શ્વાન અને કાગડાઓ ચૂંથી રહ્યા છે. ત્યારે અહીંથી પસાર થવું એટલે રોગચાળાને ખુલ્લું આમંત્રણ આપવા બરાબર છે. ખુદ પાલિકા દ્વારા ફેલાવાતી ગંદકીને લઈને લોકોના જાહેર આરોગ્ય સામે ગંભીર ખતરો તોળાઈ રહ્યો હોવાનું સ્થાનિક રહીશ કલ્પેશ ચૌહાણએ જણાવ્યું હતું. કોરોનાના કપરા કાળમાં સ્વચ્છતા પર ભાર મુકાઈ રહ્યો છે. ત્યારે ખુદ પાલનપુર નગરપાલિકા જ સ્વચ્છતાના ધજીયા ઉડાવતાં લોકોને રોગચાળાના મુખમાં ધકેલી રહી છે. ત્યારે ગત વર્ષે ૨૮માં નંબર પરથી કૂદકો મારી સ્વચ્છતા સર્વેક્ષણમાં પાલનપુરને ૧૬મો નંબર મળવા સામે ખુદ પાલનપુરના નગરજનો જ સવાલ ઉઠાવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.