પાલનપુરમાં કડિયા કામ કરતાં શખ્સને બાળકી સોંપનાર વૃદ્ધા કોણ ? રહસ્ય અકબંધ
રખેવાળ ન્યુઝ પાલનપુર
સરહદી બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરના કુબેરનગરમાં રહેતા એક શખ્સ પાસેથી મળી આવેલી બાળકી ક્યાંથી આવી તે શોધવા માટે બાળ સુરક્ષા વિભાગ, પોલીસ તંત્ર અને મીડિયા દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં શનિવારે મીડિયા કર્મીઓએ આ બાળકીને રાખનારા શખ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી. જોકે, તેણે એક જ રટણ કર્યું હતું કે, કોઈ માજી હાઇવે ઉપર તેને આ બાળકી આપી ગયા હતા. ત્યારે આ વૃદ્ધા કોણ છે? તેને લઈને રહસ્ય અકબંધ રહ્યું છે.
પાલનપુરના કુબેરનગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતાં શખ્સે ૧૫ દિવસની બાળકીને છેલ્લા પખવાડિયાથી શંકાસ્પદ રીતે પોતાના ઘરે રાખી હતી. જે બાળકીને અન્ય પરિવારને આપવાની હતી. જોકે, પાંચ દિવસ અગાઉ બાળકીને લેવા આવેલા પરિવારને આ શખ્સે બાળકી આપી ન હતી.
આથી પરિવારે ૧૮૧ અભિયમની ટીમને જાણ કરતાં કાઉન્સેલર જીનલબેન પરમારને આ શખ્સની હિલચાલ શંકાસ્પદ જણાતાં સમગ્ર ઘટનામાં કંઈક અજુગતું થયું હોય તેવું લાગતાં તેની પાસેથી બાળકીનો કબ્જો લઈ ચાઈલ્ડ પ્રોટેક્શન હોમમાં સોંપવામાં આવી હતી.
આ અંગેના મીડિયા અહેવાલ બાદ આ પ્રકરણમાં પોલીસ તપાસ સોપવામાં આવી છે. જ્યાં બાળકી ક્યાંથી આવી તે શોધવા માટે બાળ સુરક્ષા વિભાગ, પોલીસ તંત્ર અને મીડિયા દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. મીડિયા કર્મીઓએ આ બાળકીને રાખનારા શખ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી. જોકે, તેણે એક જ રટણ કર્યું હતું કે, કોઈ માજી હાઇવે ઉપર તેને આ બાળકી આપી ગયા હતા. ત્યારે આ વૃદ્ધા કોણ છે? તેને લઈને રહસ્યના તાણા વાણા સર્જાયા છે.
ઉલ્લેખનીય છે કે, પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા પણ આ દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં ટૂંક સમયમાં સફળતા મળશે તેવું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.