જુનાડીસા આરોગ્ય કેન્દ્રનું મકાન : જર્જરીત અને ભયજનક મકાનથી દર્દીઓ સાથે સ્ટાફને હાલાકી
જુનાડીસા આરોગ્ય કેન્દ્રનું મકાન નવું બનાવવાની કામગીરી 1059 દિવસથી અધ્ધરતાલ
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના આદેશની પણ અવગણના: ડીસા તાલુકાના જુનાડીસા ગામે જર્જરીત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન નવું બનાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આદેશ કર્યો છે. તેમ છતાં 1059 દિવસ વિતવા છતા જિલ્લા પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.જેના કારણે ગામ લોકોમાં આક્રોશની લાગણી છવાઈ છે.
આ બાબતે ગામના સિનિયર સીટીઝન દાઉદભાઈ ઘાસુરાએ જણાવ્યું હતું કે, ડીસા તાલુકાનું સૌથી મોટું જુનાડીસા ગામ આજુબાજુના અનેક ગામોનું સેન્ટર ગામ પણ છે.ત્યારે ગામમાં આવેલ વર્ષો જૂના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ગામ સહિત આજુબાજુના ગામના લોકો પણ લાભ લે છે. પરંતુ સમયના વહેણ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન જર્જરીત અને ભયજનક બની જતા સ્ટાફ સહિત દર્દીઓ પણ ભારે હાડમારી વેઠે છે. જેને લઇ ગામ લોકોની રજૂઆતોના પગલે જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા કેન્દ્રનું જુનું મકાન તોડી નવું બનાવવા ઠરાવ કરાયો હતો.
જેથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તારીખ 27/9/2021 ના રોજ જિલ્લા પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેન્શન યુનિટના કાર્યપાલક ઇજનેરને કેન્દ્રનું નવું મકાન બાંધવાનો લેખિતમાં આદેશ કર્યો હતો. જેને 1059 દિવસ વિતવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.જેથી જર્જરીત મકાનને લઈ ગામ લોકો ભારે હાડમારીઓ વેઠી રહ્યા છે તેમાં પણ હાલમાં ચોમાસુની ઋતુને લઇ હાડમારીઓ વધી પડી છે. આ બાબતે જવાબદાર તંત્ર ગામલોકોના હિતમાં સત્વરે ઘટતા પગલાં ભરે તેવો જન્મત પ્રવર્તે છે.