પાલનપુર તાલુકાના જગાણામાં : તિજોરીનું તાળું તોડી 4.9 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર
પાલનપુર તાલુકાના જગાણામાં શનિવારે સાત વાગ્યે પતિ બનાસ ડેરીમાં નોકરી ગયા હતા, જ્યારે પત્ની નવ વાગ્યે તેના પિયર મહેસાણા ગઈ હતી. ત્યારે અજાણ્યા ઈસમોએ બંધ મકાનનો દરવાજો તોડી અંદર તિજોરીનું તાળું તોડી 4.9 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર તાલુકાના જગાણાના મુકેશભાઈ કરસનભાઈ દેસાઇ શનિવારે સવારે 7:00 વાગ્યે બનાસ ડેરીમાં નોકરી ઉપર ગયા હતા. જ્યારે તેમના પત્ની સવારે 9:00 વાગ્યે મહેસાણા તેમના ભાઈ નિલેશભાઈ હેમરાજભાઈ દેસાઈના ઘરે ગઈ હતી. દરમિયાન શખ્સોએ દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં પડેલી તિજોરી ખોલી રૂપિયા 1.40 લાખનો પાંચ તોલાનો ગળામાં પહેરવાનો હાર,70 હજારનું 2.5 તોલાનું હાથનું લોકેટ, 14 હજારની અડધો તોલાની વીંટી, 56,000ની ગળામાં પહેરવાની બે તોલાની ચેઈન, 56,000નું બે તોલાનું મંગળસૂત્ર, રૂપિયા 1.40 લાખના પાંચ તોલાના પાટલા, રૂપિયા 14,000ની એક જોડી અડધા તોલાની બુટ્ટી સહિત કુલ રૂપિયા 4,90,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે ચોરીની જાણ થતાં મુકેશભાઇ દેસાઇએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.