વડગામ તાલુકામાં આયોજનની ગ્રાન્ટની ફાળવણીમાં ગેરરીતી ?

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)છાપી, વડગામ તાલુકામાં ૧૫ નાણાંપંચ હેઠળ ની વર્ષ ૨૦૨૨/૨૩ માટે તાલુકા કક્ષાની ૨૦ ટકા ગ્રાન્ટની ફાળવણીમાં વ્હાલા દવાલાની નીતિ અપનાવવાના આક્ષેપ સાથે ભારે વિસંગતતા સામે આવી છે. તાલુકાના વિવિધ ગામોમાં વિકાસની ગ્રાન્ટની ફાળવણીને લઈ વિવિધ ગામોના સરપંચોમાં ભારે ઉહાપોહ સાથે ફાળવણી રદ કરવા માંગ ઉઠવા પામી છે. વર્ષ ૨૦૨૨/૨૩ માટેની ૧૫ નાણાંપંચ હેઠળ તાલુકા કક્ષાની ૨૦ ટકા બેઝિક અનટાઇડ તેમજ ટાઇડ ગ્રાન્ટના કામો સરકારે નક્કી કરેલ નિયમ મુજબ જેતે ગામોની જનસંખ્યા મુજબ ફાળવણી કરવાના નિયમને તાલુકા પંચાયતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ ઘોળીને પી જઇ નિયમના ધજાગરા ઉડાવી મળતીયા કોન્ટ્રકટરોના ઈશારે વધુ જનસંખ્યા ધરાવતા ગામોમાં એક થી દોઢ લાખ રૂપિયા તેમજ પાંચસોથી બે હજારની જનસંખ્યા ધરાવતા ગામોને દશથી પંદર લાખ જેટલી માતબર રકમની ગ્રાન્ટ ફળવતા વિવાદ સાથે પત્રમ્‌ પુષ્પમ્‌ થયાના આક્ષેપો થઈ રહ્યા છે.

જ્યારે પીરોજપુરા, મજાદર તેમજ શેરપુરા (મ) જેવા અનેક ગામોને ફૂટી કોડી પણ આપવામાં ન આવતા સરપંચો લાલચોળ થવા સાથે ૨૦ ટકા ગ્રાન્ટની ફાળવણી રદ કરી જનસંખ્યા મુજબ ફાળવણી કરવા ઉગ્ર માંગ કરી છે. વિધાનસભાની ચૂંટણીને ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ શાસિત વડગામ તાલુકા પંચાયતના પદાધિકારીઓ દ્વારા તાલુકા પંચાયતના સદસ્યોની ભલામણોને કિનારે કરી મનસ્વી નીતિ અપનાવી કટકીનો ખેલ કર્યાના ગંભીર આક્ષેપો થતા આવનાર ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ સર્જાય તેવી સ્થિતિ થવા પામી છે.

છાપી સહિતના ગામોને અન્યાય
૨૦ ટકા ગ્રાન્ટની ફાળવણીમાં વિકાસશીલ અને વધુ વસ્તી ધરાવતા છાપીને માત્ર દોઢ લાખ જ્યારે બસુને ચાર લાખ, મેતાને ત્રણ લાખ, માહીને માત્ર એક લાખ ફાળવી અન્યાય કર્યો છે. જ્યારે ઓછી વસ્તી ધરાવતા કોટડીને ૧૧ લાખ પચાસ હજાર, બાવલચુડીને દશ લાખ અને નળાસરને પાંચ લાખ પચાસ હજાર ફળવતા વિવાદ સર્જાયો છે.

કોન્ટ્રકટરોના ઈશારે ગ્રાન્ટ ફાળવવાનો આક્ષેપ
વડગામ તાલુકા પંચાયતના અધિકારી તેમજ પદાધિકારીઓના નજીકના કોન્ટ્રકટરોને સીધો ફાયદો થાય તે રીતે કોન્ટ્રકટરોના ઈશારે ૨૦ ટકા રકમની ફાળવણી કર્યાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે કોને આ ખેલ કર્યો તેની તપાસની માંગ ઉઠવા પામી છે.

જિલ્લા વિકાસ અધિકારી તપાસ કરે તેવી માંગ
૨૦ ટકા ગ્રાન્ટની ફાળવણી માં થયેલ વિસંગતતા અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી ઝીણવટ ભરી તપાસ કરી ફાળવણી રદ કરી નિયમ મુજબ ફાળવણી કરી કસુરદારો સામે શિક્ષાત્મક પગલાં ભરે તેવી સરપંચો માંગ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.