ઉનાળામાં શીતળતા આપતા દેશી નળીયા નામશેષ થવાના આરે

બનાસકાંઠા
બનાસકાંઠા

વિસરાતી વિરાસત : વિલાયતી નળીયા પણ છેલ્લા દોઢેક દસકાથી અસ્તિત્વ ગુમાવી રહ્યા છે,વર્તમાન સમયમાં બહુમાળી ઇમારતો અને મકાનોમાં સિમેન્ટ તેમજ લોખંડના પતરાનો છત તરીકે ઉપયોગ વધતા હવે દેશી – વિલાયતી નળીયા કે જે દેશી કારીગરો પોતાની કોઠાસૂઝ અને મહેનતથી તૈયાર કરતા હતા. તેમજ સદીઓથી તેનો નાના – મોટા ઘરોમાં છત તરીકે એક સમાન ઉપયોગ થતો હતો. તેવા દેશી નળીયા ચાર દાયકાથી પોતાનું અસ્તિત્વ ગુમાવતા ગુમાવતા વર્તમાન સમયમાં સાવ લુપ્ત થવાને આરે આવી ગયા છે. બીજી તરફ વિલાયતી નળીયા પણ છેલ્લા દોઢ દસકાથી પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યા છે.

દેશી નળીયા બનાવવાનું કામ કરનાર કારીગરે જણાવ્યું હતુ કે  આજથી ૪૦ વર્ષ પહેલા હું દરરોજના હજારથી પંદરસો દેશી નળીયા તૈયાર કરતો હતો. એ વખતે મજૂરીમાં મામૂલી રકમ મળતી હતી અને ૨૦ રૂપિયામાં ૧૦૦૦ નળીયા વેચાતા હતા. કારીગરો સખત મહેનત કરી ફાગણ મહિનામાં દેશી નળીયા તૈયાર કરતા હતા. આમ ચાર દાયકા પહેલા દેશી નળીયાના વપરાશથી કારીગરોને કામ અને લોકોને કાળઝાળ ગરમીમાં ઠંડક મળી રહેતી હતી. ત્યાર બાદ વિલાયતી નળીયાનો સમય આવ્યો. જે વિલાયતી નળીયાનો સમય પણ હવે આથમી રહ્યો છે. અત્યારે લોખંડ અને સિમેન્ટના પતરા લોકોના ઘરોની છત ઉપર ગોઠવાઈ ગયા છે. તેથી દેશી કારીગરો પણ બેકાર બની અન્ય ધંધામાં ગોઠવાઈ ગયા છે. જોકે લોખંડ અને સિમેન્ટના પતરા ગરમી આપે છે સાથે ચોમાસાની ઋતુમાં આવતા વાવાઝોડામાં ઉડતાં જોવા મળે છે. જ્યારે દેશી નળીયા ગમે તેવા વાવાઝોડામાં પણ ટકી રહેતા હતા પણ વર્ષમાં એક વખત તેને મળાવવા -રીપેર  પડતા હતા. જેના કારીગરો પણ હવે લુપ્ત થઈ ગયા છે. તેમની કારીગીરીની કરેલી ઉપેક્ષાનું પરિણામ ભોગવતા લોકો આજે ગરમીથી વ્યથિત થઈ એસી કે કુલરના સહારે જીવી રહ્યા છે.તેમ છતાં ઠંડક મળતી નથી.

કારીગરોની કળાની કદર ના થઈ:  આ બાબતે ઝેરડાના માટી કામના કારીગર સલ્લુભાઈ સુમરાએ જણાવ્યું હતું કે ચારેક દાયકા અગાઉ કુંભાર – મુસલા સમાજ પોતાની વંશ પરંપરાગત આવડત તેમજ કારીગરીથી માટીના ઘડા તૈયાર કરતા હતા. જેમાં ગમે તેવી ગરમીમાં પણ લોકોને પીવાનું ઠંડું પાણી મળી રહેતું. સાથે સાથે આ કારીગરો દ્વારા અનાજનો સંગ્રહ કરવા માટે વિશાળ કોઠીઓ બનાવવામાં આવતી. જેમાં મૂકેલું અનાજ ક્યારેય બગડતું નહોતું.માટીના વાસણો માંદગીને જોજનો દૂર રાખતા હતા. એ જ સમયગાળામાં દેશી નળીયા મોટાભાગના ઘરોની છત પર ગોઠવાઈને કાળઝાળ ગરમીમાં પણ લોકોને ઠંડક આપતા હતા.પણ આ કારીગરોની કળાની કદર ન થતા તેના માઠા પરિણામ આપણી સામે જ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.