અપક્ષ, ભાજપના ટેકાથી થરાદ નગરપાલિકામાં કોંગ્રેસ સત્તામાં આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ નગરપાલિકાના હોલમાં મંગળવારની બપોરે ૧૨ વાગ્યે પ્રમુખ ચુંટણી અધિકારી અને નાયબ કલેકટર વિ.સી.બોડાણાની અધ્યક્ષતામાં મળેલી ખાસ સામાન્યસભામાં નગરપાલિકાના બીજા સત્રના અઢી વરસની બોડીના નવા પ્રમુખ, ઉપપ્રમુખની ચુંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. જેમાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત તથા જીલ્લાના પ્રમુખ દિનેશભાઇ ગઢવીની આગેવાનીમાં કાૅંગ્રેસ તાલુકા પ્રમુખ આંબાભાઇ સોલંકી અને અગ્રણી ડીડી રાજપુત સહિત શહેરના હોદ્દેદારો દ્વારા કોંગ્રેસના સદસ્યો જાનકીબેન દિલીપકુમાર ઓઝાને પ્રમુખ તથા રમેશભાઇ વાઘજીભાઇ રાજપુતને ઉપપ્રમુખનો મેન્ડેન્ટ આપતાં નાયબ કલેક્ટરે આંગળી ઉંચી કરીને વિડીયોગ્રાફી સાથે મતદાન કરાવ્યું હતું. જેમાં કોંગ્રેસના તરફે તેમના સિમ્બોલ પર જીતેલા તથા તથા કોંગ્રેસની વિચારસરણી ધરાવતા છ અપક્ષ સદસ્યો તથા ભાજપમાંથી ગુલાંટ મારીને કોંગ્રેસમાં ભળેલા ત્રણ સદસ્યો નર્મદાબેન અર્જુનભાઇ રાઠોડ, કાસમભાઇ ઇમામભાઇ પરમાર અને કાંતાબેન મનસુખલાલ પંડ્યા મળીને ૧૭ જ્યારે ભાજપ તરફે ભાજપના ૯ ઉપરાંત ૨ અપક્ષો ચોથાભાઇ કાળાભાઇ રબારીતથા હિરાભાઇ પ્રેમાજી રાઠોડે મતદાન કરતાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખની તરફેણમાં ૧૧ જ્યારે કોંગ્રેસ તરફે ૧૭ મત પડ્યા હતા.આમ કાૅંગ્રેસ તરફી બહુમતીથી મતદાન થતાં કાૅંગ્રેસના સદસ્યોને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા.જ્યારે ભાજપે પ્રમુખ માટે કોકીલાબેન પ્રજાપતિ તથા ઉપપ્રમુખ માટે હિરાભાઇ રાઠોડનું મેન્ડેન્ટ આપ્યું હતું. થરાદ નગરપાલિકામાંથી નવા શાસકો વિજેતા બનીને ખુશખુશાલ મુદ્રામાં બહાર નીકળતાં બહાર રોડ પર અગાઉથી ઉભેલા તેમના સમર્થકોએ જયઘોષના નાદ અને ફુલહારથી ફટાકડાથી સ્વાગત કરી અભિનંદન પાઠવી વાજતે-ગાજતે વિજયયાત્રા પણ યોજી હતી. થરાદ નગરપાલિકામાં ગત ટર્મમાં ભાજપના બાર અને અપક્ષ અને કાૅંગ્રેસના આઠ આઠ સદસ્યો વિજેતા બન્યા હતા. જે પૈકી અપક્ષોનો ટેકો મેળવી ભાજપે પ્રથમ અઢી વર્ષ સત્તા ભોગવી હતી. જો કે ત્યાર બાદ આ ગઠબંધન ન સચવાતાં ભાજપના ગઢમાં ગાબડું પાડીને સત્તા આંચકવામાં કાૅંગ્રેસ સફળ રહી હતી. આમ અઢી વરસ માટે કાૅંગ્રેસની બોડી બનતાં ભાજપના સમર્થકોમાં આનંદ છવાઇ જવા પામ્યો હતો.વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે પણ ઉપસ્થિત રહીને નવા શાસકોને શહેરનો સર્વાંગી વિકાસ કરવાની શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગે ભીખાલાલ પટેલ, પ્રધાનજી ઠાકોર, તુલસીભાઇ ધુમડા તથા વાવના અગ્રણી અમીરામભાઇ આસલ સહિત કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.