દાંતીવાડાના ધનિયાવડામાં 5 માસ અગાઉ થયેલી હત્યાનો મામલો પુરોહિત સમાજના લોકોએ તંત્રને આવેદન પાઠવી આરોપીને ઝડપવાની માંગ કરી
દાંતીવાડાના ધનિયાવડા ગામે 5 માસ અગાઉ થયેલી હત્યાને પગલે પુરોહિત સમાજના લોકો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. પુરોહિત સમાજના આધેડની હત્યાને પાંચ માસ વિતવા છતાં પણ આરોપી ન ઝડપાતા ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટર અને એસપી કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવી હત્યારાને વહેલી તકે ઝડપી પાડવાની માંગ કરી છે. તેમજ જો ગુરૂવાર સુધીમાં આરોપી નહીં ઝડપાય તો પુરોહિત સમાજ પાલનપુરમાં વિશાળ રેલી યોજી અચોક્કસ મુદતના ધરણા કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
બનાસકાંઠા બત્રીસી પુરોહિત સમાજ યુવક મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. 23 જુલાઈ 2023ના છગનભાઈ મુળાજી રાજગોરની હત્યા કરવામાં આવી હતી. જેની ફરીયાદ તેમના ઘરના સભ્યો દ્વારા પાંથાવાડા પોલીસ સ્ટેશન ખાતે કલમ-302 અને 394 અંતર્ગત કરવામાં આવી હતી સ્થાનિક પોલીસ તંત્ર તેની અનુસાર તપાસ કરી રહી છે પરંતુ પાચ માસ વીતવા આવ્યાં છતાં હત્યારો ન ઝડપાતા બત્રીસી પુરોહિત સમાજ યુવક મંડળ મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરી અને SP કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી આરોપીને ઝડપી પાડવાની માંગ હતી. ગુરુવાર સુધીમાં હત્યારો નહિ ઝડપાય તો પાલનપુરમાં વિશાળ રેલી યોજી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.