થરાદમાં હાઇવે પર પાણીની પાઇપમાં ભંગાણ પડતાં પાણી વેડફાયું
થરાદમાં પાણીના ઊંચા ટાંકા થી નર્મદા કેનાલ વચ્ચેના રોડને ફોરલેન અને ડિવાઇડર સાથે સર્વિસ રોડ તથા પાણીના નિકાલ માટેની અંડર ગ્રાઉન્ડ કેનાલ સહિતની કામગીરી ચાલી રહી છે. આ રસ્તા ના કારણે થરાદ શહેરની શોભામાં વધારો થવાનો છે એ સારી બાબત છે, પરંતુ તેમાં કેટલીક ક્ષતિઓ રહી જવા પામી છે. આથી ભવિષ્યમાં આવા સરસ રીતે બનેલા રોડને નુકસાન થવાની દહેશત પણ જાગૃત નાગરીકો વ્યક્ત કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ માં હોસ્પિટલ સામેના ભાગમાં ઉપરની સોસાયટીઓમાંથી આવતા વરસાદી પાણીના વેગીલા પ્રવાહને જોતા તેનો સરળતાથી નિકાલ થઈ શકે તેવા પ્રકારના નાળાં નાખવામાં આવ્યા નથી.આથી ભવિષ્યમાં રોડને નુકશાન થાય તેમ છે. બીજી બાજુ આ રોડની આજુબાજુમાં ઘણી બધી સોસાયટીઓમાં પાણી પુરવઠો આપવામાં આવે છે તેની પાઇપલાઇનમાં પણ અવારનવાર ભંગાણ પડતું હોય છે.
આથી જો તે અંગેની પણ નક્કર કામગીરી શરૂઆતમાં જ નહી કરવામાં આવે તો ભવિષ્યમાં આ પાઇપલાઇન ફૂટવાથી પણ ભવિષ્યમાં રોડને પણ નુકસાન થઈ શકે તેમ છે. આથી તંત્ર દ્વારા અંગત રસ લઈ નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે. ઉલ્લેખનીયછેકે ગુરુવારે રોડની કામગીરી દરમિયાન પાઇપલાઇનમાં ભંગાણ પડતાં લાખો લીટર પાણીનો વેડફાટ પણ થવા પામ્યો હતો.