થરાદ તાલુકામાં ગરમીનો પારો 43 ડીગ્રી પહોંચતા આગની ભઠ્ઠીમાં ધકેલાયું
સરહદી રણને અડીને આવેલા વાવ થરાદ તાલુકાઓમાં ગરમીનો પારો 43 ડિગ્રી પર જોવા મળ્યો હતો : જેને લઈ સમગ્ર સરહદીમાં જાણે આગની ભઠ્ઠીમાં ધકેલાયું હોય તેવી કાળઝાળ ગરમીનો સામનો કરવો પડ્યો હતો.શહેર અને ગામડાંના રસ્તાઓ સુમસામ જોવા મળ્યાં હતા.બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસથી ગરમી વધી જતાં ગરમીનો પારો ઉંચો જોવા મળ્યો હતો. જ્યારે બપોરે ગરમીએ માઝા મૂકી હતી અને લોકોને અગન ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા હતા. સવારે દશ વાગ્યા પછી સૂર્યના કિરણોએ દઝાડવાનું શરૂ કર્યું હતું. પાછલા બે દિવસમાં તાપમાનમાં વધારા સાથે ગરમ પવનો ફૂંકાતા સરહદી પંથકના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સરહદી પંથકમાં ઉંચા તાપમાનના કારણે બપોરના સમયે ખુલ્લા આકાશ નીચે ચાલતાં જાણે અંગારા વરસતા હોય તેવી કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે:લોકોને માથુ ફાડતી ગરમીનો સામનો કરવો અગ્નિપરિક્ષા જેવી લાગી હતી. બપોરના સમયે ગામડાઓથી લઇ શહેરો સુધીના જાહેર માર્ગો પર સન્નાટો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે વાવ થરાદ એ રણને અડીને આવેલા તાલુકાઓ હોવાથી દિવસ દરમિયાન ગરમીની વધુ અસર જોવા મળી રહી છે. ત્યારે કેનાલ આવતાં ઉનાળું વાવેતરના કારણે થોડા અંશે ગરમ પવનો માં ફરક જોવા મળી રહ્યો છે.