પાંથાવાડા માં મનરેગા યોજના ના શ્રમિકો એ ગ્રામ પંચાયત કચેરી એ પહોંચી કર્યો હલ્લાબોલ
દેશના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રોજગારી આપવા માટે, કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (મનરેગા) લાગુ કરવામાં આવ્યો હતો. આ એક રોજગાર ગેરંટી યોજના છે, જેમાં દરેક નાણાકીય વર્ષમાં શ્રમિક વર્ગના લોકોને 100 દિવસની રોજગારી આપવામાં આવે છે. ત્યારે દાંતીવાડા ના પાંથાવાડા ખાતે મનરેગા યોજના અંતર્ગત માનસરોવર તળાવ ઊંડું કરતાં શ્રમિકો એ કામ ની સામે મહેનતાણું ઓછું આપવાની રાવ કરતા ગ્રામ પંચાયત કચેરી એ મોટી સંખ્યામાં મહીલા શ્રમિકો એ હલ્લાબોલ કર્યો હતો.
મળતી માહિતી મુજબ મનરેગા યોજના ના શ્રમિકો સવારે ૭ થી ૧ વાગ્યા સુધી કાર્ય કરતાં હોવાં છતાં કામની સામે મહેનતાણું ઓછું આપવાની રાવ કરી હતી. ત્યારે પાંથાવાડા GRS કાળુંભાઈ (અશ્વિનભાઈ) ને ટેલિફોનીક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે શ્રમિકો ૧૦૦ ટકા પૂર્ણ કામ કરે તો રોજના ૨૮૦ રૂપિયા આપવામાં આવે છે. પરંતુ શ્રમિકો ઓછું કામ કરતા હોવાથી મે ધમકી આપી હતી કે ઓછું કામ કર્યુ તો ૬૦ રૂપિયા જ રોજનુ મહેનતાણું આપીશ. તેમ જણાવ્યું હતું. જેને લઇ ૧૫૦ થી વધુ શ્રમિક મહીલાઓ એ ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ મચાવ્યો હતો.
જો કે પાંથાવાડા ના આગેવાન અને પૂર્વ દાંતીવાડા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ ઘાડીયા ને આ બાબતે જાણ થતાં પાંથાવાડા ગ્રામ પંચાયત કચેરી એ આવી પહોંચી મનરેગા યોજના ના શ્રમિકો ને પુરેપુરું મહેનતાણું અપાવવાની ખાત્રી આપી મામલો થાળે પાડ્યો હતો.
Tags Banaskantha Deesa Dhanera Palanpur