પાલનપુરમાં એક્ટિવા પર આવેલા બુકાનીધારી શખ્સો મહિલાનો દોરો ઝૂંટવી ફરાર
પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં રહેતી એક મહિલા મંદિરે દર્શન કરી પોતાના ઘરે જતા હતા. તે સમયે એકટિવા ઉપર આવેલા બે શખ્સોએ તેણીના ગળામાં પહેરેલો રૂપિયા 1.25 લાખનો સોનાનો દોરો ઝૂંટવી ફરાર થઇ ગયા હતા. આ બનાવને લઈ ચકચાર મચી હતી. આ અંગે પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી વિગત મુજબ પાલનપુર તાલુકાના મડાણા (ગઢ) ગામના વતની અને હાલ બેચરપુરા શક્તિનગર સોસાયટીમાં રહેતા ભીખીબેન મોતીભાઈ કોધેલ (પટેલ) સવારે કૈલાશ મંદિરે દર્શન કરવા માટે ચાલતા ગયા હતા. જ્યાંથી ઘરે આવી રહ્યા હતા. ત્યારે ગાયત્રી કૃપા સોસાયટી પાસે આવતા રસ્તામાં એક સફેદ કલરનું એકટીવા આવ્યું હતું. જ્યાં હેલ્મેટ પહેરેલો એકટીવા ચાલક અને કાળા ચશ્મા, મોઢા ઉપર હાથ રૂમાલ બાંધેલા પાછળ બેઠેલો શખ્સ ભીખીબેન પાસે આવ્યો હતો. અને કોઈ પણ વાતચીત કર્યા વગર તેમના ગળામાં પહેરેલો રૂપિયા 1,25,000 નો સોનાનો ત્રણ તોલા 27 ગ્રામનો દોરાની તફડંચી કરી એકટિવા ઉપર ફરાર થઇ ગયા હતા.આ અંગે ભીખીબેને બંને સામે પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Tags Banaskantha Palanpur snatching