થરાદના મોરથલમાં ઝુંબેશથી 86 દબાણો હટાવાયા ગામના રસ્તા પર દબાણ કરાતાં માર્ગ સાંકડો બન્યો હતો
થરાદ તાલુકાના મોરથલ ગામમાં રસ્તાની આજુબાજુ દબાણદારો દ્વારા કેબિન અને ઓટલા અને શેડ સ્વરૂપે દબાણ કરવામાં આવ્યા હતા. જેના કારણે રસ્તો સાંકડો થવા પામ્યો હતો. આ અંગે ગામના જાગૃત યુવાનો દ્વારા અરજી કરવામાં આવતા તંત્ર દ્વારા જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું કે એક દિવસમાં વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં ગામમાંથી ગામતળની જમીનમાંથી 86 દબાણો દૂર કરાવવામાં આવ્યા હતા. થરાદ તાલુકાના મોરથલ ગામના બે જાગૃત નાગરિકો વિષ્ણુકુમાર માળી અને શૈલેષભાઈ માળી દ્વારા દબાણ બાબતે મોરથલ ગ્રામ પંચાયતથી લઈને રાજ્યસરકારને લેખિત રજુઆતો કરી દબાણ દુર કરાવાની માંગણી કરવામાં આવી હતી. તેમજ વારંવાર રજુઆતોભરી લડત લડીને ત્રણ મહિનામાં ગામતળને દબાણ મુક્ત કરાવ્યું હતું.
જેમાં જાહેર આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડ આગળ-પાછળ અને આજુબાજુમાં આવેલા તમામ બિન અધિકૃત દબાણો અને બાંધકામ,જાહેર પાણીની પરબને ચારેય બાજુથી ખુલ્લી કરવામાં આવી,સરકારી બસ સ્ટેશનની આગળ અને આજુ બાજુની તમામ દુકાનો હટાવીને બસ સ્ટેશન જાહેર જનતા માટે ખુલ્લું કરાવવામાં આવ્યું હતું.
મોરથલ ગામને જોડતા ધાનેરા રોડ, થરા રોડ, ડેડુવા રોડ, લુવાણા રોડ ઉપર આવેલી તમામ અડચણ રૂપ દુકાનો હટાવવામાં આવી,આમ જાહેર જગ્યાઓ ઉપરથી કાચા અને પાકા અડચણ રૂપ રીતે ગેરરીતિ વાળા તમામ કૉર્મોશિયલ અને નોન કૉર્મોશિયલ કરેલા બિનઅધિકૃત દબાણ વાળા બાંધકામ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની દેખરેખમાં મોરથલ ગામનાં ઈતિહાસમાં પ્રથમ વખત ગામતળનું દબાણ દૂર કરાયું હતું. ગ્રામપંચાયતના તલાટીકમ મંત્રી મહેન્દ્રભાઇએ વહીવટીતંત્રની ઉપસ્થિતીમાં એક જ દિવસમાં જેસીબી સાથે કેબીન અને ઓટલા સહિતનાં 86 દબાણ દુર કરાયાનું જણાવ્યું હતું.