ડીસામાં ખેડૂત પાસેથી બટાકા લઈ પૈસાના આપનાર વેપારીને એક વર્ષની કેદ
વેપારીએ આપેલો ચેક રિટર્ન થતા ડીસા કોર્ટે સજા ફટકારી: ડીસા તાલુકાના કણજરા ગામના ખેડૂત પાસેથી બટાકા ખરીદીને પેમેન્ટ ન ચૂકવતા તે પેટે આપેલો ચેક રીટર્ન થતા ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ખરીદનારને એક વર્ષની કેદની સજા તેમજ રૂપિયા 50 હજાર વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના કણજરા ગામે રહેતા જશુજી બાબુજી ઠાકોર ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ વર્ષ 2021માં બટાકાનું વાવેતર કરેલ હતું. જે બટાકા ખેતરમાંથી કાઢ્યા બાદ વેચવાના હોઇ ડીસા તાલુકાના મહાદેવીયા ગામના અને બટાકાના વેપારનું કામ કરતા ગોકુળભાઈ હમીરજી (મકવાણા) ઠાકોરે તેઓની પાસેથી બટાકા ખરીદી 197 કટ્ટા બટાકા ખેતરમાંથી ભરાવી લઈ ગયા હતા અને તેનું પેમેન્ટ ત્રીસ દિવસ પછી આપવાનો વાયદો કર્યો હતો.
ત્યારબાદ ખેડૂત જશુજીએ ઉઘરાણી કરતા ગોકુળભાઈએ તેઓને તારીખ 20/ 6/ 2021 અને 30 /6 /2021 ની તારીખના રૂપિયા 50 હજાર અને રૂપિયા 1.50 લાખના એમ બે ચેક આપ્યા હતા.
જે ચેક તેઓએ બેંકમાં નાખતા બેલેન્સ ન હોવાથી પરત આવ્યો હતો .જેથી જશુજીએ તેમના વકીલ મારફતે નોટિસ મોકલાવતા તેઓએ નોટિસનો કોઈ જવાબ ન આપ્યો હતો કે પૈસા આપવાની પણ કોઈ દરકાર લેતા ન હતા. જેથી તેઓનો શરૂઆતથી જ ખેડૂતને છેતરવાનો ઇરાદો હોવાનું સ્પષ્ટ થતું હતું. આખરે ખેડૂત જશુજીએ ડીસા કોર્ટમાં ચેક રીટર્ન અંગેનો કેસ દાખલ કર્યો હતો.
જે કેસ ચાલી જતા ડીસા કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યોગેશભાઈ એન.પટેલે ફરિયાદી પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી હતી તેમજ આરોપી ગોકુલભાઈ હમીરજી મકવાણાને ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 ના ગુના માટે એક વર્ષની સાદી કેદની સજા તેમજ હુકમની તારીખથી 30 દિવસમાં ફરિયાદીને રૂપિયા 50 હજારની રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો. જો આરોપી ચેકની રકમ ન ચૂકવે તો વધુ એક વર્ષની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો હતો.