બનાસકાંઠા જીલ્લામાં ‘ખુલ્લામાં શૌચ મુક્ત ગામ’ ના બોર્ડ લગાવવામાં મોટાપાયે ખાયકી આચરાઈ હોવાનું ચર્ચાસ્પદ

ગુજરાત
ગુજરાત

રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જીલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગતના કામોમાં ગેરરીતીની “બૂ” આવી રહી હોવાની રાવ ઉઠી છે. જીલ્લાના દરેક ગામમાં “ખુલ્લામાં શૌચ મુકત ગામ” ના લગાવવામાં આવેલ બોર્ડ માં પણ મોટાપાયે ખાયકી થયાના આક્ષેપો થઇ રહયાં છે. આમ બનાસકાંઠા જીલ્લામાં અધિકારીઓની મીઠી નજર તળે “સ્વચ્છ ભારત મિશન” ગેરરીતીમાં ખદબદી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “સ્વચ્છ ભારત – સ્વસ્થ ભારત” ના સુત્રને સાર્થક કરવા દેશભરમાં “સ્વચ્છ ભારત મિશન” હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી છે. “સ્વચ્છ ભારત મિશન” ને સફળ બનાવવાની જગ્યાએ કેટલાંક લોકો ધંધો બનાવી બેઠા છે.
બનાસકાંઠા જીલ્લાના શૌચાલય કૌભાંડમાં કેટલાંક અધિકારી- કર્મચારીઓ જેલની હવા ખાઇ ચુકયા છે. ત્યારે શૌચાલય કૌભાંડ બાદ વધુ એક “ખુલ્લામાં શૌચ મુકત ગામ” ના બોર્ડ લગાવવામાં ગેરરીતીની “બૂ” આવી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, બનાસકાંઠા જીલ્લાની તમામ ગ્રામ પંચાયતોને “સ્વચ્છ ભારત મિશન” હેઠળ “ખુલ્લામાં શૌચ મુક્ત ગામ” ના બોર્ડ લગાવવા માટે સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયતને રૂપિયા પાંચ હજારની સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેથી આ બોર્ડ બનાવવાની જવાબદારી જે તે ગ્રામના સરપંચ – તલાટીની હોય છે. પરંતુ કેટલાંક ઉચ્ચ અધિકારીઓની મિલીભગત તેમજ આડકતરી રીતે ઇશારાથી જીલ્લાના તમામ તાલુકામાં અલગ-અલગ એજન્સીઓને બોર્ડ બનાવવાની કામગીરી સુપરત કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અંદાજે રૂ.૧૦૦૦ થી ૧૫૦૦ માં બનતા બોર્ડના રૂ. ૫,૦૦૦ ઉધારી ઉઘાડી લૂંટ ચલાવાઈ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.