ભાભરમાં ડોક્ટરની જમીન પચાવી પાડવા ગેરકાયદેસર પ્રવેશી કબજો કર્યો, 4 સામે ફરીયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાભર તાલુકાના ગામે ડોક્ટરે ખરીદેલ જમીનમાં અન્ય ઇસમોએ કબજો કરી લેતાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ થરાદના ડોક્ટરે વર્ષ 2005માં ગામની સીમમાં પાંચ ભાઇઓની સંયુક્ત માલિકીની જમીન ખરીદી એક ભાઇને વાર્ષિક વાવેતર પેટે આપી હતી. જે બાદમાં વર્ષ 2019માં વાવેતર માટે આપેલ ખેડૂતે ડોક્ટરે કહેલ કે, ગામના કેટલાંક માથાભારે શખ્સોએ તમારી જમીન પર ગેરકાયદેસર પ્રવેશ કરી કબજો કરી લીધો છે. જેને લઇ તપાસ કરતાં ચાર ઇસમોએ ભેગા મળી જમીન પચાવી પાડવાના હેતુસર ગેરકાયદેસર પ્રવેશ કરી જમીનનો કબજો રાખ્યો હોઇ તેમની સામે ભાભર પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

બનાસકાંઠા જીલ્લાના થરાદના ડો.કમલેશભાઇ રૂપાભાઇ એન્જીનિયર દિપ સર્જીકલ હોસ્પિટલ ચલાવે છે. ડો.કમલેશભાઇએ વર્ષ 2005માં ભાભર તાલુકાના ખારીપાલડી ગામની સીમમાં જૂના સર્વે નં 143/પી.1 જેનો નવો સર્વે નંબર 286 વાળી જમીન ખરીદી હતી. તે જમીન વાલાજી માધુજી ઠાકોર, રાજાજી માધુજી ઠાકોર, તરસંગજી માધુજી ઠાકોર, ભુરાજી માધુજી ઠાકોર અને ભુપતજી માધુજી ઠાકોરની સંયુક્ત માલીકીની હોઇ વેચાણથી ખરીદી તેની નોંધ પણ ડોક્ટરના નામે પડાવી હતી. જે બાદમાં ડો.કમલેશભાઇએ તે જમીન ભુરાજી માધુજી ઠાકોરને વાર્ષિક આંકડાથી વાવેતર કરવા આપી હતી.

આ દરમ્યાન થોડા વર્ષો સુધી વાવેતર કર્યા બાદ ગત તા.7-5-2019ના રોજ ભુરાજી એ ડો.કમલેશભાઇને કહેલ કે, ભાભરના ખારીપાલડી ગામના તેજાજી કરમશીજી ઠાકોર, પોપટજી કરમશીજી ઠાકોર, બાબુજી કરમશીજી ઠાકોર અને અણદાજી કરમશીજી ઠાકોરે જમીન ખાલી કરવાનું કહી ગાળાગાળી કરી હતી. આ સાથે ઇસમોએ ગેરકાયદેસર જમીનમાં પ્રવેશી કબજો મેળવ્યો હોઇ ડો.કમલેશભાઇ ત્યાં જતાં તેમને પણ જમીનમાં પ્રવેશવાની ના પાડી હતી. જેથી ડો.કમલેશભાઇએ કલેક્ટર બનાસકાંઠાને અરજી કર્યા બાદ ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. પોલીસે તમામ ઇસમો સામે આઇપીસી 447 અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદોની કલમ 3, 4(3), 5(c) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.