પાલનપુરમાં ચૂંટણી ટાણે વીજળીના ધાંધીયા વીજ કંપનીનો અંધેર વહીવટ : કાળઝાળ ગરમી વચ્ચે લોકો ત્રસ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

કાળઝાળ ગરમી વચ્ચે જિલ્લા મુખ્યાલય પાલનપુર શેકાઈ રહ્યું છે. ત્યારે પાલનપુરમાં ચૂંટણીના માહોલમાં રાજકીય ગરમાવા વચ્ચે ઉત્તર ગુજરાત વીજ કંપનીના અંધેર વહીવટનો ભોગ પાલનપુર વાસીઓ બની રહ્યા છે. ધોમ ધખતા તાપ વચ્ચે વીજ ધાંધિયા થતા પાલનપુરવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

એકબાજુ કોંગ્રેસના રાજમાં વીજ ધાંધિયાના ઉદાહરણો આપી મોદી ના રાજમાં 24 કલાક વીજળી મળી રહી હોવાનો પ્રચાર ભાજપ કરી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના શાસનની યાદ તાજી કરાવવા જાણે વીજ કંપની કમર કસી રહી હોય તેમ પાલનપુરમાં છાશવારે વીજળી ગૂલ થઈ જતી હોવાની રાવ ઉઠી છે. પાલનપુરમાં કાળઝાળ ગરમી વચ્ચે 6-6 કલાક વીજળી ગાયબ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલનપુરના ડીસા હાઇવે પરની સોસાયટીઓ અને જામપુરા પાસે અર્બુદા નગરમાં વીજળી ડૂલ થઈ જતા ગરમીમાં લોકો શેકાયા હતા. જામપુરા જી.આઈ.ડી.સી વિસ્તારમાં અર્બુદા નગર રો હાઉસમાં આવી ગરમીમાં બપોરે 5 કલાક લાઈટ જતી રહેતા બાળકો, મહિલાઓ અને દર્દીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ અંગે કંમ્પ્લેઇન કરવા જતાં વીજ કંપનીના જવાબદારો દ્વારા ફોન રિસીવ ન થતા હોઇ લોકોએ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો હતો.

વીજ કંપનીનો અંધેર વહીવટ: પાલનપુરમાં છેલ્લા કેટલાક સમય થી વીજ કંપનીનો અંધેર વહીવટ સામે આવ્યો છે. ખાસ કરીને હાઇવે વિસ્તારમાં જ્યારે પણ લાઇટ જતી રહે ત્યારે વીજ ધારકો કમ્પલેઇન નોંધાવવા લેન્ડ લાઈન નં.02742 251265 ડાયલ કરે ત્યારે કાં તો ફોન રિસીવ થતો નથી યા તો પછી સતત બીઝી આવતો હોય છે. આજે 5 કલાક અર્બુદા નગરમાં લાઇટ ન હોઈ કંમ્પ્લેઇન કરવા જતાં રિંગ જતી હોવા છતાં ફોન રિસીવ થયો નથી. જ્યારે બીજી જ ક્ષણે કોલ કરીએ તો ફોન સતત એંગેજ આવતો હોવાનું પૂર્વ નગરસેવક ભરત ઠાકોરે જણાવ્યું હતું. એક દિવસ લેટ વીજ બિલ ભરનારનું વીજ જોડાણ કાપવા અધીરી બનતી વીજ કંપનીનું લાઈટ બિલ નિયમિત ભરવા છતાં વીજ સેવા માં ધાંધિયા કરતી કંપનીના જવાબદાર લોકો ફોન ઉપાડી સંતોષકારક જવાબ પણ આપવા ની તસ્દી લેતા ન હોઈ લોકોએ સોશિયલ મીડિયા પર ઉભરો ઠાલવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.