પાલનપુરમાં આઇ.સી.યુ. સંચાલક પર હુમલો કરનાર 2 આરોપીઓ ઝડપાયા
ધંધાકીય હરીફાઈમાં ઓર્થોપેડિક તબીબે સોપારી આપી હુમલો કરાવ્યો હોવાનું ખુલ્યું: પાલનપુરમ એક આઈ.સી.યુ. હોસ્પિટલના સંચાલક પર હુમલો થયો હતો. જે ગુનાનો ભેદ ઉકેલતા પોલીસે 2 આરોપીઓને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે. જેમાં ધંધાકીય સ્પર્ધામાં એક ઓર્થોપેડિક તબીબે ભાડૂતી માણસોને સોપારી આપી હુમલો કરાવ્યો હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પાલનપુર હાઈવે ઉપર આવેલ શ્રી હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ. ના સંચાલકને ગત 14 જુલાઈના રોજ મોટર સાયકલ ઉપર આવેલ બે અજાણ્યા ઈસમોએ મોઢા ઉપર રૂમાલ બાંધી લોખંડની પાઈપોથી માર મારી હાથ તથા પગના ભાગે માર મારી ફરાર થઇ ગયા હતા. જે અંગે અજાણ્યા ઈસમો સામે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન જિલ્લા પોલીસવડાએ ગુના નો ભેદ ઉકેલવા એલસીબી પોલીસને તપાસ સોંપી હતી. દરમિયાન, એલ. સી.બી.એ ગુનાવાળી જગ્યા તથા ફરીયાદીના ધંધાના સ્થળના તેમજ હાઇવે રોડ ઉપરના સી.સી.ટી.વી. કેમેરાના કુટેજ મેળવી આશરે ૧૦૦ થી વધારે કુટેજ ચેક કરતા તેના આધારે
માહીતી મેળવતા ઉક્ત ગુનામાં બે સ્થાનિક ઇસમો સંડોવાયેલ હોવાનુ જણાઇ આવતા તેમની ઓળખ પ્રસ્થાપિત કરી આ કામે બે ઈસમોની ધરપકડ કરી તેઓને વધુ કાર્યવાહી માટે પાલનપુર શહેર પ્રશ્રિમ પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.
જાણીતા ઓર્થોપેડિક તબીબની સંડોવણી: આરોપીઓની પુછપરછમાં પાલનપુરના જાણીતા ઓર્થોપેડીક ડૉક્ટર હરેશ કે.ગૌસ્વામી (એચ.કે.ગૌસ્વામી)ને આ કામના ફરીયાદી સાથે ધંધાકીય મનદુ:ખના કારણે તેઓએ આરોપીઓને પાંચ લાખ રૂપિયાની સોપારી આપી માર મરાવેલ હોવાનું તથા તેના પેટે કુલ-૭૦ હજાર રૂપિયાની આરોપીઓને ચુકવણી થયેલ હોવાનું જણાઇ આવેલ છે. આમ આ ગુનામાં પડદા પાછળના મુખ્ય આરોપી (માસ્ટર માઈન્ડ) તરીકે ડૉક્ટર હરેશ કે. ગૌસ્વામી(એચ.કે.ગૌસ્વામી)નુ નામ આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ઝડપાયેલા આરોપીઓ
(૧) સોહીલખાન ઠાકરમીયા ઘાસુરા રહે.માલણ, દરગાહની બાજુમા તા.પાલનપુર જી.બનાસકાંઠા
(૨) જીશાન મહંમદખાન સિન્ધી રહે.માલણ ઘાસુરા વાસ,બસ સ્ટેશન પાસે તા.પાલનપુર જી.બનાસકાંઠા.