ડીસા સહિત તાલુકા ભરમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભારે ભેળસેળ
અખાદ્ય ચીજો આરોગી આમ પ્રજા અવનવા રોગોનો ભોગ બને છે
દિવાળી ટાણે જ ફૂડ વિભાગના દરોડા શકના દાયરામાં
બનાસકાંઠા જિલ્લાના વેપારી અને તાલુકા મથક ડીસાની છબી “ડી” ફોર ડુપ્લીકેટ તરીકે સમગ્ર રાજ્યમાં બદનામ છે. કારણ ડીસા સહિત તાલુકામાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ભારે ભેળસેળ થાય છે. ઉપરાંત બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ પણ તેમાંથી બાકાત રહી નથી.તેથી ધી, તેલ,મરચું,હળદર, ચોખા, દૂધ સહિતની ચીજવસ્તુમાં મોટા પાયે મિલાવટ અને ડુપ્લીકેટિંગ થાય છે.
આ કાળો કારોબાર સમગ્ર વર્ષ દરમિયાન દિવસ રાત ધમધમે છે તેમ છતાં ફૂડ વિભાગ આંખ આડા કાન ધરે છે પણ દિવાળી આવે એટલે ફૂડ વિભાગ તપાસના નાટકો શરું કરે છે.જેમાં ગણ્યા ગાંઠ્યા ભેળસેળીયા તત્વો સામે નામ માત્રનો કેશ કરી સંતોષ માને છે પરંતુ પાછળના બારણે ગોદડી ગોટે વળતા આ કારોબાર ધમધમતો રહે છે. તેથી ડીસાના જીઆઈડીસી, ઢૂવા રોડ, રિસાલા બજાર નજીક, પાટણ હાઇવે ઉપર અને નજીક, જૂની પોલીસ લાઈન નજીક તેમજ ડીસાની આસપાસના કેટલાક ગામો ઉપરાંત પાટણ રોડના ખેતરોમાં બ્રાન્ડેડ ઘીનું ડુપ્લીકેટિંગ મોટા પાયે થતું હોવાનું લોકો જણાવે છે.એટલું જ નહીં, આ નેટવર્ક લાંબા સમયથી ચાલે છે તેમ છતાં પણ જેની જવાબદારી છે તે ફૂડ વિભાગ નામ માત્રની કાર્યવાહી કરે છે.
જેથી ભેળસેળીયા તત્વોને મોકળું મેદાન મળી જાય છે. પરિણામે જાહેરમાં જન આરોગ્ય સાથે ગમ્ભીર હદે ચેડા થાય છે. આ જીવલેણ ભેળસેળ વાળી ચીજો આરોગતા લોકો કેન્સર, પેટના રોગો સહિતની ગંભીર બીમારીઓનો ભોગ બનતા હોવાનું તબીબો પણ અવારનવાર જણાવે છે.તેમ છતાં તંત્રની ઘોર લાલીયાવાડીને લઈ લોકો અખાદ્ય ચીજો ખાવા મજબુર બની અવનવા રોગનો ભોગ બને છે. તેથી લોકોની હાલત ‘જાયે તો જાયે કહા’ જેવી થઈ છે.