ભીલડીમાં આરોગ્યની ટીમના દરોડા : ખાનગી તબીબનું સોનોગ્રાફી મશીન સિલ
રખેવાળ ન્યૂઝ પાલનપુર, ભીલડી : બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી એ ટીમ સાથે ડીસા તાલુકાના ભીલડી માં મંગળવારે સાંજે ઓચિંતો દરોડો પાડ્યો હતો. જ્યાં એક ખાનગી તબીબના ક્લિનિક માંથી સોનોગ્રાફી મશીન સિલ કરી તબીબ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે, ભીલડી ખાતે ખાનગી પ્રેક્ટિસ કરતાં ડો. કે. બી. પરમારની ક્લિનિક માંથી એક સોનોગ્રાફી મશીન સિલ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ડીસા અને ભીલડી પોલીસનો પણ સહકાર લેવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખાનગી તબીબના ક્લિનિક માંથી સોનોગ્રાફી મશીન સિલ કરી તબીબ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં અન્ય ખાનગી પ્રેક્ટિસ કરતાં તબીબોમાં ફફડાટ પ્રસરી ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા ભીલડીમાં દરોડાની મોડી સાંજ સુધી ચાલેલી કાર્યવાહીના પગલે સમગ્ર શહેરમાં ભારે ઉત્તેજના પ્રસરી ગઈ હતી. જોકે, સોનોગ્રાફી મશીન સિલ કરાયા બાદ પણ ડો. કે. બી. પરમાર હાજર ન મળ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.