બનાસ ડેરીએ પશુપાલકોનું દૂધ લેવાનું બંધ કરવાનો કોઈ નિર્ણય કર્યો નથી : ઈન્ચાર્જ એમ.ડી.
રખેવાળ, બનાસકાંઠા
કોરોનાવાયરસ થી સંક્રમિત ગામોમાં આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં બનાસ ડેરીના સંચાલક મંડળે નિર્ણય લઈ દૂધ સ્વીકારવાનું બંધ કર્યાનું કેટલાક સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર અંગે સ્પષ્ટતા કરતાં બનાસ ડેરીના ઈન્ચાર્જ એમ.ડી. કામરાજભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે કોરોના પોઝિટિવ દર્દીજે વિસ્તારમાં આવે તે વિસ્તારને જિલ્લા કલેકટર દ્વારા ગુજરાત સરકારે જાહેર કરેલી એપેડેમીક એક્ટ મુજબતે વિસ્તારને કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. આવા ૨૭ ગામોમાં કોરોના પોઝિટીવ કેસ આવતાં કન્ટેઈન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ છે જેને લઈને નાગરિકોની અવરજવર પર રહેણાંક અને મહેસુલી વિસ્તારમાં સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવેલ છે.કોરોના મહામારી સમયે સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું આપણા સૌની નૈતિક ફરજ છે. જેથી જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓ આવ્યા છે તે વિસ્તારની દૂધ મંડળીઓ દ્વારા પ્રજાહિતમાં દૂધ લેવાનું બંધ રાખ્યું છે. કન્ટેઈન્ટમેન્ટ ઝોન હોય ત્યાં પશુપાલકોમાં પણ કોરોના સંક્રમણનો ભય રહેલો છે જેથી પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને સ્થાનિક દૂધ મંડળીઓએ દૂધ લેવાનું બંધ કરેલ છે.
બનાસડેરીના નિયામક મંડળ દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બનાસ ડેરી ગમે તેવા કપરા સંજોગોમાં પણ પશુપાલકોની પડખે રહી છે અને આજની તારીખે પણ દૈનિક સરેરાશ ૫૯ લાખ લીટર દૂધ પશુપાલકો પાસેથી લઈ રહી છે અને હંમેશાં પશુપાલકોના હિતમાં નિર્ણય કરે છે. કોરોના મહામારી સમયે પશુપાલકોએ ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે કન્ટેઈન્ટમેન્ટ ઝોનની આજુબાજુના એરિયામાં આવતાં બફર ઝોનમાં ૨૭ જેટલી દૂધ મંડળીઓ જે બંધ હતી ત્યાં સરકારના જાહેરનામા મુજબ બફર ઝોન હટી જતાં તેને પુનઃ કાર્યરત કરીને દૂધ સ્વીકારવાનું શરૂ કરવામાં આવેલ છે તેમજ હાલના કન્ટેઈન્ટમેન્ટ એરિયામાં પણ પરિસ્થિતિ સામાન્ય થતાં પુનઃ દૂધ મંડળીઓ પશુપાલકો પાસેથી દૂધ સ્વીકારવાનું શરૂ કરી શકશે.