દિવાળી સાથે મગફળીની સિઝનથી વાહનોની લાઈનો લાગી : ડીસામાં માર્કેટયાર્ડ સર્કલ નજીક ટ્રાફિક ચક્કાજામ
હજારો વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફીકમાં અટવાયા: ડીસામાં રાજ મન્દિર નજીક આવેલા માર્કેટયાર્ડ સર્કલ નજીક સોમવારે ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અટવાયા હતા. ડીસા પંથકમાં હાલમાં મગફળીની સીઝન ચાલે છે ડીસા માર્કેટયાર્ડમાં દિવસ દરમિયાન ખેડૂતો ટ્રેકટરો ભરી મગફળી વેચાણ કરવા માટે આવે છે ત્યારે આજે સોમવારના રોજ માર્કેટ્યાર્ડ સર્કલ નજીક જ ટ્રાફિકજામ થતા વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા.
એક તરફ દિવાળીની સીઝન અને બીજી તરફ મગફળી પણ રેકોર્ડ બ્રેક ડીસા યાર્ડમાં આવે છે જોકે સોમવારના રોજ ડીસા રાજમન્દિર સર્કલ નજીક જ કલાકો સુધી ટ્રાફિકજામ થતા મગફળી લઇ આવતા ખેડૂતો, સ્કૂલે જતા બાળકો અને એસટી બસ પણ આ ટ્રાફિકમાં ફસાયા હતા. બાદમાં આવેલી પોલીસે ભારે જહેમત બાદ આ ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.
જોકે રોજિંદી આ ટ્રાફિક સમસ્યા માટે અનેક કારણો પણ જવાબદાર છે જેમાં એક તરફ માર્કેટયાર્ડથી દિપક તરફ જવાના સર્વિસ રોડ ઉપર ખાનગી ટ્રકો અને લકઝરી બસો બિન અધિકૃત રીતે પાર્ક કરવામાં આવે છે જેના લીધે પણ ટ્રાફિકજામની સમસ્યા વકરી છે આ ઉપરાંત સામેની સાઈડ ઉપર આવેલી અનેક સોસાયટીના રહીશોને પણ સર્વિસ રોડ ઉપરથી રોન્ગ સાઈડમાં સોસાયટીમાં જવુ પડતું હોઈ વાહનો સામસામે આવતા ટ્રાફિકમાં વધારો થાય છે.
આમ માર્કેટયાર્ડ સર્કલ ઉપર ટ્રાફિકની સમસ્યા રોજિંદી બની છે ત્યારે આ મામલે ટ્રાફિક પોલીસ કાયમી પોલીસ પોઇન્ટ સાથે સર્વિસ રોડ ઉપર પાર્ક કરવામાં આવતા ટ્રકો અને લકઝરી બસોને ખસેડે તો પણ ટ્રાફિકની સમસ્યા હળવી બની શકે તેમ છે આ ઉપરાંત સર્વિસ રોડની આસપાસ થયેલા વાહન પાર્કિંગ તેમજ દબાણ પણ પાલિકા દ્વારા દૂર કરવામાં આવે તે પણ જરૂરી છે.