ડીસા માર્કેટયાર્ડના ચેરમેન પદે 10 વર્ષ બાદ ગોવાભાઇ દેસાઈની ફરી એન્ટ્રી

બનાસકાંઠા
બનાસકાંઠા

ઉત્તર ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થા ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાના ચેરમેન પદે ગોવાભાઇ દેસાઈને નિયુક્ત કરાયા છે. ભાજપે ચૂંટાયેલા 15 ડિરેક્ટરોને સાઈડ આઉટ કરી તાજેતરમાં જ કોંગ્રેસમાંથી આવેલા ગોવાભાઇને ચેરમેન બનાવતા સમગ્ર જિલ્લાના સહકારી વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે.

ડીસા માર્કેટયાર્ડના વ્યવસ્થાપક મંડળની અઢી માસ અગાઉ ચૂંટણી યોજાઈ હતી. જેમાં માર્કેટયાર્ડના ચેરમેન અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈની પેનલો સામસામે હતી. 16 ડિરેક્ટરો માટેનું ચૂંટણી થતાં ભાજપ સમર્થિત માવજીભાઈ દેસાઈની પેનલના 15 ડિરેક્ટરો જીત્યા હતા. જ્યારે સામા પક્ષે કોંગ્રેસમાંથી એકમાત્ર ગોવાભાઇ દેસાઈનો વિજય થયો હતો. ત્યારબાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈ ભારે સસ્પેન્સ સર્જાયું હતું.

આ દરમિયાન ગોવાભાઇ દેસાઈએ કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશતા તેઓ ચેરમેન બનવા ભાજપ સાથે શરત કરીને આવ્યા હોય તેવી અટકળો ચાલી રહી હતી. તો ભાજપ દ્વારા પણ પ્રથમ વખત ચેરમેન વાઇસ ચેરમેન પદ માટે ડિરેક્ટરોના સેન્સ લેવામાં આવ્યા હતા. જેમાં 15 ડિરેક્ટરો એક તરફ હતા. જ્યારે એક તરફ માત્ર ગોવાભાઇ હતા. ત્યારબાદ આજે માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પાટણ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓના અધ્યક્ષ પદે યોજાઇ હતી. જેમાં નાટયાત્મક વળાંક આવ્યો હોય તેમ ચેરમેન પદે ગોવાભાઇ દેસાઈનું નામની દરખાસ્ત પૂર્વ ચેરમેન માવજીભાઈ દેસાઈએ મૂકી હતી. જેને ડિરેક્ટર રમેશભાઈ માળીએ ટેકો આપતા ગોવાભાઇ દેસાઈની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

જ્યારે વાઇસ ચેરમેન તરીકે અરજણભાઈ ધર્માભાઈ પટેલના નામની દરખાસ્ત ઈશ્વરભાઈ દેસાઈએ કરતા વેપારી ડિરેક્ટર રાજુભાઈ ભરતીયાએ ટેકો આપતા તેઓની પણ બિનહરીફ વરણી થઈ હતી. નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને તમામ સભ્યોએ તેમજ માર્કેટયાર્ડમાં ઉપસ્થિત ભાજપના જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સહિત આગેવાનો, નેતાઓ, કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.