થરાદમાં જી.આઈ.ડી.સી બનશે જેના કારણે લોકોની આર્થિક ઉન્નતિ થશે :- બલવંતસિંહ રાજપૂત
વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રૂ.૪૧ કરોડના ૧૩૬ વિકાસ કાર્યોનું ખાતમુર્હુત-લોકાર્પણ
સરકારએ માતબર રકમનું બજેટ જાહેર કરીને લોકોની સુખાકારીની હર હંમેશા ચિંતા કરી:- બલવંતસિંહ રાજપૂત
થરાદના મલુપુર ખાતેથી આજરોજ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં જિલ્લાના કુલ રૂ. ૪૧.૫ કરોડના ૧૩૬ વિકાસના કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું હતું. જેમાં રૂ.૩૧.૩૧ કરોડના કુલ ૫૩ કામોનું ખાતમુર્હુત તેમજ રૂ.૧૦.૧૯ કરોડના કુલ ૮૩ કામોનું લોકાર્પણ કરાયું હતું. આ વિકાસ કાર્યોમાં નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, માર્ગ અને મકાન પંચાયત, જેટકો વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૩ વર્ષોમાં ગુજરાત અને દેશના વિકાસ માટે એકપણ દિવસ રજા લીધી નથી. સરકારે માતબર રકમનું બજેટ જાહેર કરીને લોકોની સુખાકારીની હર હંમેશા ચિંતા કરી છે. ગુજરાતના પ્રત્યેક વ્યક્તિની માથાદીઠ આવકમાં વધારો થયો છે. સરકારના પ્રયત્નોથી ૬૨ લાખ હેક્ટર જમીનમાં બારેમાસ ખેતી થઈ રહી છે. ગુજરાતના ૧૮ હજાર ગામડાઓમાં ૨૪ કલાક વીજળી મળી છે. આજે નર્મદાના નીર છેવાડાના વિસ્તારમાં પહોંચ્યા છે. આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તાઓ, વીજળી સહિતના અનેકવિધ વિકાસના કાર્યો છેલ્લા ૨૩ વર્ષમાં થયા છે. તેમણે ગુજરાત રાજ્ય સહીત કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રજાલક્ષી થયેલા વિકાસ કાર્યોથી લોકોને અવગત કરવામાં હતા. વાઇબ્રન્ટ ગુજરાતનું મોડલ દેશના અન્ય રાજ્યોએ પણ અપનાવ્યું છે. થરાદમાં જી.આઈ.ડી.સી બનશે જેના થકી આર્થિક ઉન્નતિ થશે.
આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વેબ કાસ્ટથી જોડાઈને જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાની છેલ્લા ૨૩ વર્ષમાં કાયાપલટ થઈ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં છેવાડાના વ્યક્તિના વિકાસ માટે કાર્યો થયા છે. ૨૩ વર્ષ પહેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતની સત્તાનું સુકાન સંભાળ્યું હતું ત્યારે આપણા વિસ્તારમાં અનેક મુશ્કેલીઓ હતી પરંતુ આજે તેમના આશીર્વાદ થકી આપણે ત્યાં નર્મદાના નિર પહોંચ્યા છે. તેમણે ન માત્ર પાણીની પરંતુ આપણા વિસ્તારની દરેક તકલીફોને દૂર કરીને સરહદી વિસ્તારની કાયાપલટ કરી છે.
આ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન-વચન અને કર્મથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામૂહિક ભારત વિકાસ માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તથા ફિલ્મનું નિદર્શન કરાયું હતું.
Tags Balwantsinh established GIDC tharad